કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધ્યા છે. ત્યારે શાપર વેરાવળમાં રહેતાં ૩૦ વર્ષના એક કારખાનેદાર યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો. કરૂણતા એ છે કે હજુ તો ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં. ઘરમાં હજુ ખુશીઓનો માહોલ હતો ત્યાં આશાસ્પદ યુવાનની અણધારી વીદાય થઇ હતી. જયારે અન્ય એક બનાવમાં ગોંડલના શ્રીનાથગઢમાં વેપારી પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળમાં રહેતાં જેનીશભાઇ રાજશેભાઇ પીપળવા (ઉ.વ.૩૦) નામના યુવાનને ગઇકાલે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહિ સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત શાપર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે રાજકોટ ગિરીરાજ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મૃત્યુ પામનાર જેનીશભાઇ બે ભાઇમાં મોટો હતો અને શાપરમાં કારખાનુ ચલાવતો હતો. જેનીશભાઇના લગ્ન હજુ ચાર મહિના પહેલા જ થયા હતાં. બનાવને લઇ પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
જયારે અન્ય એક બનાવમાં ગોંડલના શ્રીનાથગઢમાં રહેતાં મનસુખભાઇ કાનજીભાઇ કાનપરીયા-પટેલ (ઉ.વ.૫૧)ને ગઇકાલે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.મૃત્યુ પામનાર મનસુખભાઇ પટેલને ભાઇ અને એક બહેન છે. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે ગામમાં ઇમિટશેન જ્વેલરીની દુકાનમાં બેસી વેપાર કરતાં હતાં.