ખંભાળિયામાં ખામનાથ પૂલ પાસેનું કામ ચલાઉ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને વ્યાપક હાલાકી

  • July 04, 2024 12:25 PM 
  

ખંભાળિયામાં ખામનાથ પૂલ પાસેનું કામ ચલાઉ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને વ્યાપક હાલાકી

ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી પ્રવેશવાના માર્ગમાં આવેલા ખામનાથ પુલ (કેનેડી બ્રિજ) આશરે સવા સદી જૂનો હોવાથી આ પુલ જર્જરીત બની ગયો હતો. જેના કારણે તંત્ર દ્વારા આ પુલને વાહન ચાલકો તથા રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અને પૂલના બંને છેડે મજબૂત દિવાલની આડસ બનાવી દેવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાંથી ખામનાથ મંદિર, રામનગર, પોરબંદર રોડ, વિગેરે વિસ્તારોમાં જવા માટે ઉપયોગમાં લેવાતા આ ખામનાથ પૂલ (કેનેડી બ્રિજ)ને થોડા સમય પૂર્વે બંધ કરી દેવામાં આવતા તેના વૈકલ્પિક રસ્તા રૂપે ખામનાથ મંદિર નજીકના ખાલી રહેલી ઘી નદીના વહેણમાં પાઈપો નાખીને ડાયવર્ઝન - કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો. 

ખંભાળિયા તાલુકામાં ચોમાસાના પ્રારંભે હાલ પ્રથમ વરસાદી રાઉન્ડમાં આશરે ૨૭ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને સર્વત્ર વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. જેના કારણે ખામનાથ પુલ પાસેનું આ ડાયવર્ઝન માટીના કારણે ધોવાઈ જતા અહીંથી દરરોજ પસાર થતાં મોટરસાયકલ ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે. દરરોજ વાહન ચાલકોના પડવા-આખડવાના બનાવ સામાન્ય બની ગયા છે. ત્યારે આ ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બને તે માટેની માંગ કરાઈ છે.

કેનેડી બ્રિજને નવેસરથી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પરંતુ તાજેતરમાં ચૂંટણીની આચારસંહિતાના કારણે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ શકી ન હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા આ પુલના કારણે નજીકના વિસ્તારમાં રહેતા લોકોને અવરજવર કરવા માટે પાંચ કિલોમીટર લાંબો ફેરો જેટલો કરવો પડે છે.

આટલું જ નહીં, ખંભાળિયાથી પોરબંદર તથા ભાણવડ તરફ જતા-આવતા વાહન ચાલકોને આ બંધ રસ્તાના કારણે વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી, અને કાંકરી તથા બયડ નાખીને રસ્તા રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application