જામનગરમાં વેપારીને ધમકી આપતો વ્યાજખોર

  • July 04, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માસિક ૧૫ ટકા ઉંચુ વ્યાજ વસુલી ચેકો બળજબરીથી કઢાવી લીધા : મોટી રકમ ભરી વટાવવા દાંટી મારી : ભારે ચકચાર

જામનગરના હિંમતનગરમાં રહેતા પટેલ વેપારીએ બે લાખ રુપીયા ૧૫ ટકા વ્યાજે લીધા બાદ સિકયુરીટી પેટે આપેલા ચેક આરોપીએ બળજબરીથી કઢાવી ધાક ધમકીઓ આપી ચેક વટાવી, રીટર્ન કરાવી, બાકી ચેકમાં મોટી રકમ ભરીને વટાવવાની ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. મોરકંડા રોડ પર ગરીબનવાઝ પાર્કમાં રહેતા વ્યાજખોર સામે ફરીયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના હિંમતનગર કિશોરકુંજ ખાતે રહેતા વેપારી રિશીતકુમાર કિશોરકુમાર પટેલ (ઉ.વ.૪૩)એ ગઇકાલે સીટી-બીમાં જામનગરના મોરકંડા રોડ ગરીબનવાઝ પાર્ક-૨, શેરી નં. ૪, મકાન નં. ૪૦૨ ખાતે રહેતા ઓસમાણ હુશેન કુંગડાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪, ૩૮૬, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), તથા ગુજરાત મનીલેન્ડસ એકટ ૨૦૧૧ની કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી ઓસમાણએ નાણા ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોવા છતા ફરીયાદી રીશીતકુમારને રુા. બે લાખ માસીક ૧૫ ટકાના ઉંચા વ્યાજથી આપી સિકયુરીટી પેટે ફરીયાદીના કો.કો. બેન્ક ગ્રેઇન માર્કેટ બ્રાન્ચના કુલ ૮ ચેક બળજબરીથી તેમજ મારી નાખવાની ધમકી આપીને કઢાવી લીધા હતા.
રિશીતભાઇ પાસેથી બળજબરીથી રુપીયા કઢાવી લેવા તેમને અપશબ્દો બોલી તથા સિકયુરીટી પેટે આપેલા પોતાની સહીવાળા ચેક વટાવી ચેક રીટર્ન કરાવી તેમજ બાકી રહેતા ચેકમાં આરોપીએ મોટી રકમ ભરી વટાવવાની ધમકી આપી હતી.
ગત નવેમ્બર ૨૦૧૯થી અવાર નવારના સમય દરમ્યાન બેડેશ્ર્વર મુરલીધર વે બ્રીજ પાસે આવેલ ફરીયાદીના કારખાને બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે, વ્યાજખોર સામે વિધીવત ગુનો દાખલ થતા આગળની તપાસ પીએસઆઇ એ.વી. વણકર ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જામનગર સહિત રાજયમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું, લોક દરબારો યોજવામાં આવ્યા હતા અને અરજદારો પાસેથી વિગતો જાણી વિધીવત ગુના દાખલ કરી કેટલાકની મિલકતો છોડાવી હતી અને વ્યાજખોરોને ઝડપીને જેલ હવાલે કર્યા હતા, તાજેતરમાં પણ ત્રણથી ચાર જુદી જુદી વ્યાજ બાબતની ફરીયાદ નોંધાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application