રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને ગોંડલ ચોકડીની મુલાકાતે ટ્રાફિક પોલીસની ટીમ : પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના અપાઇ

  • July 05, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.



ખાસ કરીને ધર્મેન્દ્ર રોડ તથા પરા બજાર વિસ્તારમાં પબ્લિક પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યા કાયમ માટે રહેતી હોય છે જેના કારણે લોકો તથા વેપારીઓ  હેરાન થતા હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પ્રયત્નશીલ છે અને તેના માટે જાહેરનામા પણ બહાર પાડેલા છે. તેમ છતાં વાહનોની સંખ્યા ઘણી જ વધારે રહેતી હોય તેથી ટ્રાફિકની સમસ્યા રહે છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ તથા એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ તેના વેપારીઓ સાથે વાર્તાલાપ કરી વૈકલ્પિક પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાની મુલાકાત લીધી હતી.



આજરોજ  ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ તથા એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી તથા આર.એમ.સી.ના ટ્રાફિક શાખા વિભાગ, દબાણ શાખા અને બાંધકામ શાખાના અધિકારીઓ તથા હોદ્દેદારો સાથે ધર્મેન્દ્ર રોડ તથા ગોંડલ ચોકડી વિસ્તારમાં હાજર રહી, ટ્રાફિક સમસ્યા અને માર્ગ સલામતી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આર.એમ.સી.ના યોગ્ય વિભાગોને જરૂરી રોડ મેનેજમેન્ટ તથા પોલીસ વિભાગ દ્વારા એન્ફોર્સમેન્ટ સંબંધિત મુદ્દાઓ પર જરૂરી ફેરફાર સૂચવવામાં આવ્યા.



ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય તથા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય તે માટે જૂની લાખાજી રાજ સ્કૂલના કમ્પાઉન્ડમાં પબ્લિક પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય તેમ હોય તો ત્યાં યોગ્ય સાફ-સફાઈ કરી પબ્લિક પાર્કિંગ માટે સૂચના આપવામાં આવી તથા ત્યાંના વેપારીઓ પણ આ પબ્લિક પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કરશે તથા પરા બજાર અને ધર્મેન્દ્ર રોડના વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે સંકલન મીટીંગ કરી તેઓને આ બાબતે આગળની સૂચના પણ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application