ધ્રોલમાં કેબિનેટમંત્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો યોજાયો

  • October 23, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિલેટ્સ મેળામાં ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય, પશુપાલન શાખા, આઇસીડીએસ, પોસ્ટ વિભાગ, પ્રાકૃતિક ખેતી વેચાણ સ્ટોલ સહિતના 10 જેટલા સ્ટોલની મંત્રીએ મુલાકાત લીધી



રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિમર્ણિ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પટેલ સમાજ ખાતે આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-2023 અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા હલકા ધાન્ય પાકોની માહિતી અને પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ પોતાના અનુભવ જણાવ્યા હતા.



આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 અંતર્ગત ભારત સરકારના વિઝનને ધ્યાને લઈને ગુજરાતનાં ખેડૂતોને ધાન્ય પાકોના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે, આવકમાં વધારો થાય તેમજ રોજિંદા આહારમાં લોકો મિલેટ્સનો ઉપયોગ કરે તે હેતુથી રાજ્યના તમામ તાલુકા સ્થળોએ મિલેટ્સ મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સમક્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ-2023 તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કરેલ હતો. જે પરત્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.



આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-2023 ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌણ ધાન્યો જેવા કે બાજરો, રાગી, જુવાર, કોદરા, મોરૈયો, કાંગ વગરેનું ઉત્પાદન વધારી રોજિંદા આહારમાં તે ઉપયોગમાં લઈ લોકોનું આરોગ્ય સુધારવું, પયર્વિરણ અને ખેડૂતોની આવકમાં વધારો વગેરે ફાયદાઓ પ્રત્યે ખેડૂતોમાં તથા લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તૃણ ધાન્યો ઓછી ખેત સામગ્રી, પાણી તથા હલકી જમીનમાં પણ સારી ઉપજ આપે છે. જે ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો અને આવક વધારવામાં મદદપ થશે. આ ઉપરાંત જન આરોગ્યને સકારાત્મક રીતે પ્રભાવિત કરશે.



પ્રાકૃતિક ખેતી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાતનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક પ્રયત્નો કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલી વસ્તુઓની માંગ વધી રહી છે. રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેડૂતોને ખર્ચ વધુ થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી અપનવવાથી ઓછો ખર્ચ અને બમણી આવક થાય છે. માટે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.



આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર વિતરણ, સોલાર પાવર યુનિટ અંગે પૂર્વ મંજૂરી, શાકભાજી બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય, પશુપાલન શાખા, આઇસીડીએસ, પોસ્ટ વિભાગ, પ્રાકૃતિક ખેતી વેચાણ સ્ટોલ સહિતના 10 જેટલા સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેની મંત્રીએ મુલાકાત લીધી હતી.



કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે ડિજિટલ માધ્યમથી ખેડૂતોને મિલેટ્સ વિષે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન શિયાર, જિલ્લા પંચાયતના સદસ્યો લગધીરસિંહ જાડેજા, વીનુભાઈ ચભાડીયા, ધ્રોલ એપીએમસીના વાઇસ ચેરમેન મહાવીરસિંહ જાડેજા, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોશી, જી. એસ. દવે, અગ્રણીઓ નવલભાઈ મૂંગરા, ભરતભાઈ દલસાણીયા, સમીરભાઈ શુક્લ, જીવાણીભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ, નાયબ ખેતી નિયામક બી.એમ.આગઠ સહિત આમંત્રિત મહેમાનો, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application