વાયરલ વિડીયોથી ખંભાળીયાના રાજકારણમાં ખળભળાટ

  • September 26, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મેળવવા માટે આકાશ-પાતાળ તો એક કર્યું, પરંતુ 90 થી 95 લાખનો ખર્ચ કયર્નિી ખૂલ્લેઆમ મીટીંગમાં કબુલાત થતાં રાજ્ય કક્ષાએ ચકચાર ફેલાઇ: આગામી દિવસોમાં ઘેરા પડઘાં પડી શકે


તાજેતરમાં ગુજરાતમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની નવા સૂત્રધારોની નિમણૂંકો થઇ હતી, જે અનુસંધાને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પંચાયતોમાં નવા સુકાનીઓ નિમવામાં આવ્યા હતા, જે-તે સમયે ઘણી બધી નિમણૂંકોને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા, આ વ્યક્તિ કેવી રીતે બની ગઇ...? એવા સવાલો તે સમયે પુછવામાં આવતાં હતા, વાસ્તવમાં શું બન્યું છે...? તેનો એક સંકેત આપતો વિડીયો, વાયરલ થયો છે અને તેમાં ખંભાળીયા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મેળવવા માટે 90 થી 95 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની કરવામાં આવેલી વાતથી ભારે ખળભળાટ મચી ગયો છે, આગામી દિવસોમાં આ બાબતમાં ઘેરા પડઘાં પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


વિડીયો આમ તો જુનો હોય એવું લાગે છે, અને જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઇ હશે, એ પછી ગામમાં મળેલી મીટીંગ અને તેમાં થયેલી ચચર્િ આ વિડીયોમાં સ્પષ્ટ સાંભળવા મળે છે.


જે વ્યક્તિ બોલી રહી છે તેણે મીટીંગમાં નીખાલસપણે એવી કબુલાત કરી છે કે, નાના એવા ગામને પ્રમુખપદ મળ્યું એ ખુબ ગર્વની વાત છે, પરંતુ જ્યારે આ વ્યક્તિએ એમ કહ્યું કે, આ બધું ગોઠવવા માટે ઝાઝો ખર્ચ નથી થયો, માત્ર 90 થી 95 લાખનો ખર્ચ કરવો પડ્યો છે.


આ વ્યક્તિ એવી પણ કબુલાત આપે છે કે, પ્રમુખ બનાવવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવી હતી, ચાર રાતના ઉજાગરા કરવામાં આવ્યા હતા, ઘણાં બધાને સમજાવવામાં આવ્યા હતા અને એ સમજાવટ શું હશે...? તેનો અંદાજો કાઢી શકાય છે.


તાલુકા પંચાયતનું પ્રમુખપદ મેળવવા માટે 90-95 લાખ જેવી જંગી રકમનો જો ખર્ચ કરવો પડતો હોય તો, કોઇ મહાનગરપાલિકાના મેયર અથવા સ્ટે. કમિટીના ચેરમેન કે પછી જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે કેટલી પ્રસાદી ધરવી પડતી હશે...? તેની કલ્પના પણ ધ્રૂજાવી જાય છે.


જે વ્યક્તિ મીટીંગમાં બોલી રહી છે તેણે ભારે હળવાશથી 90-95 લાખના ખર્ચની વાત કરી છે, અને એ સમયે જ્યારે એ શબ્દપ્રયોગ થયો ત્યારે મીટીંગમાં હાસ્યનું હુલ્લડ પણ સર્જાય છે એવું પણ જોવા-સાંભળવા મળી રહ્યું છે, વાસ્તવમાં વર્તમાન રાજકારણની નિમ્ન કક્ષા તેમાં જોવા મળી રહી છે.


આ વિડીયો વાયરલ થવાના કારણે આગામી દિવસોમાં ખંભાળીયા તથા દેવભૂમિ દ્વારકાના રાજકારણમાં નવા-જુની થાય છે કે કેમ...? કે પછી ઢાંક મારી, ઉઘાડ તારી... ની જુની પધ્ધતિ મુજબ ઘી ના ઠામમાં ઘી પડી જાય છે... એ આવનારો સમય જ બતાવશે, પરંતુ એક વાત નક્કી છે કે, હાલમાં વાયરલ થયેલો આ વિડીયો ખંભાળીયાના રાજકારણમાં ભડકો કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application