રસોડામાં ઉપસેલી એક લાદીને લીધે સાત કિલો ગાંજો ઝડપાયો

  • October 05, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજરંગવાડી વિસ્તારમાં રહેતા ફ્રુટના ધંધાર્થીને એસઓજીએ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ 150 ફૂટ રિંગરોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ફ્રુટના ધંધાર્થીને 7.120 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.શાતીર આરોપીઓે ઘરમાં રસોડામાં ગાંજો છુપાવવા માટે લાદી નીચે ખાસ ચોરખાનું બનાવ્યું હતું.પરંતુ એક લાદી ઉપસેલી હોય જેના પર ધ્યાન જતા પોલીસે ગાંજો ઝડપી લીધો હતો.છેલ્લા એક વર્ષથી ગાંજાનો વેપલો કરતો હોવાનું અને અગાઉ જંગલેશ્ર્વરમાંથી અને હાલ ગાંજો અમદાવાથી લાવ્યો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું.આરોપી 10 ગ્રામની ગાંજાની પડીકી રૂ.100 માં વેચતો હોવાનું માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુજબ,એસઓજી પીઆઇ એમ.એમ.જાડેજાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ સમીરભાઇ શેખ અને કોન્સ. રવિભાઇ ઘુઘલને મળેલી બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ પર આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર પાસે અર્જુન પાર્કમાં રહેતા અતિક સલીમભાઇ મેતર (ઉ.વ.30) ના મકાનમાં એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
અહીં પોલીસને પ્રથમ તો કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું પણ બારીકાઇથી તપાસ કરતા રસોડામાં લાદી ઉપસેલી જણાતા શંકા ગઇ હતી.બાદમાં લાદી કાઢી જોતા તેમાં ચોરખાનું હોય તેમાંથી 7.120 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે ગાંજો, એક મોબાઇલ ફોન, વજનકાંટો અને જેમાં ગાંજો પેક કરાતો હતો તેવી પ્લાસ્ટિકની કોથળીના ચાર પેકેટ સહિત રૂ.83 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. વિશેષમાં જાણાવા મળતી વિગતો મુજબ, આ શખસ આગાઉ દુષ્કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું માલુમ પડયું છે.
આરોપી છેલ્લા એકાદ વર્ષથી માદક પદાર્થનો વેપલો કરતો હોવાનું માલુમ પડ્યું છે. તે અગાઉ જંગલેશ્વરમાંથી ગાંજો લાવતો હતો પરંતુ આ વખત અઠવાડિયા પૂર્વે અમદાવાદથી ગાંજો લાવ્યો હોવાનું રણ કર્યું છે. આરોપી ગાંજાની 10 ગ્રામની પડીકી બનાવી રૂ.100 માં વેચતો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application