વિજીલન્સનો ખંભો, તો નિશાન પર કોણ છે...?

  • December 27, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેસબબ નહિં, ગાલીબ... કુછ તો હૈ, જીસકી પર્દાદારી હૈ...: ૨૫ વર્ષ પહેલાં મરી ચૂકેલા કૌભાંડના મડદાંની લાશ બહાર કાઢવા પાછળ રાજકીય કારણ હોવાની અંદરખાને વ્યાપક ચર્ચા : જે-તે સમયે જિલ્લા પંચાયત પર રાજ કરનારાઓના પગ નીચેથી જાજમ ખેંચી લેવા શું તપાસનું નાળચું તકાયું છે...?!

આપણી સિસ્ટમની એક બલિહારી છે કે, ઘણી વખત ઘણું મોટું-મોટું થઇ જતું હોય છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી, અને ક્યારેક રાયને પણ પર્વત બનાવી નાંખવામાં આવતો હોય છે, જ્યારે પણ આવું થાય ત્યારે ચોક્કસ પણે કોઇને કોઇ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતાં હોય છે, ભલે કારણ બીજું આપવામાં આવે... પરંતુ કહીં પે નીગાહેં, કહીં પે નિશાના... ની જેમ વિંધવાની ચોક્કસ ગણતરી હોય છે, અને હાલમાં પણ કંઇક આવું શરુ થયું હોવાનો વ્યાપક ગણગણાટ જામનગરના રાજકીય આલમમાં અંદરખાને થઇ રહ્યો છે, જોઇએ જે નિશાન સાધવામાં આવ્યું છે તે ટાર્ગેટ પર લાગે છે કે, પછી એ પહેલાં જ બધું સમેટાઇ જાય છે...?
વાત છે અઢી દાયકા પહેલાંના જામનગર જિલ્લા પંચાયતના કેટલાંક કૌભાંડોને લઇને એકાએક શરુ થયેલી વિજીલન્સ તપાસની... સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પચ્ચીસેક વર્ષ પહેલાં જિલ્લા પંચાયતમાં ગણવેશ, કંતાન, બામ્બુ, રમકડાં, આસનપટ્ટા પાછળ કરવામાં આવેલા ખર્ચ અંગે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના મુદ્દે જુની ફાઇલો પરથી દિમકને દૂર કરીને છાનબીન શરુ કરવામાં આવી હોવાનું કહેવાય છે, જો કે, ખરેખર વિજીલન્સ દ્વારા તપાસ શરુ થઇ છે કે નહીં...? તેની કોઇ સત્તાવાર વિગતો મળી નથી, કારણ કે, વર્તમાન સત્તાધીશો અને જિલ્લા પંચાયતના વડા અધિકારીઓએ આવી તપાસ સંબંધે અજાણતા દર્શાવી છે... તો પછી આ ભૂત આખરે ધૂણતું શું કામ થયું...?
સો મણનો આ સવાલ સ્વાભાવિક રીતે ઉઠે છે, અને ખરેખર જો, તપાસ શરુ થઇ હોય તો, એ પણ સવાલ ઉઠે છે કે, અઢી દાયકા પછી જે તે પ્રકારની તપાસ શરુ કરવા પાછળ શું શુધ્ધ ઇરાદો જ હશે...? ખરેખર પચ્ચીસ વર્ષ સુધી વિજીલન્સ સહિતના જે-તે જવાબદારો ઉંઘતા હતા...? જો જે-તે સમયે કૌભાંડ થયું હતું તો, અત્યાર સુધી તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ... કેમ ચાલ્યું...? હવે રહી-રહીને શું કાંઇ વાંધા પડ્યા છે...? કે પછી બાવળામાં તાકાત આવી ગયા બાદ વેર-ઝેર પતાવવાનો કોઇ રાજકીય ઇરાદો છે...? ઘણાં સવાલો ઉઠે છે.
જુના જોગીઓ સાથે વાત કરવામાં આવતાં એમણે પણ જિલ્લા પંચાયત સુસંગત વિજીલન્સની કથીત તપાસના અહેવાલથી આશ્ર્ચર્ય થયું છે, અને અંદરોઅંદર ગણગણાટ ચાલી રહ્યો છે કે, ભાઇ ખરેખર આ તપાસ જો શરુ થઇ છે, તો વિજીલન્સના ખંભા પર વાસ્તવમાં બંદૂક રાખી કોણે છે...? અને એ નિશાનચીનો ટાર્ગેટ કોણ છે...?
અઢી દાયકા પહેલાં જ્યારે ઉપરોક્ત તમામ ખરીદીઓના કથિત કૌભાંડની યોજના ઘડાઇ હશે ત્યારે જિલ્લા પંચાયત પર કોના નામના ડંકા વાગતા હતા, અને કોના કહેવાથી કે કોની દોરવણીથી કે પછી કોની સંડોવણીથી એ બધું થયું હતું...? અને એ વ્યક્તિ હાલમાં રાજકીય દ્રષ્ટિકોણથી ક્યા સ્તરે છે...? જો કોઇ સારા સ્તરે હોય તો ત્યાંથી વેતરી નાંખવા માટે વિજીલન્સને હાથો બનાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ઘર ફૂટે ને ઘર જાય... આ કહેવત તો ખૂબ જુની અને જાણીતી છે, જ્યારે જ્યારે કોઇ મોટા કૌભાંડો ખૂલ્યા છે ત્યારે ત્યારે તે નકાબ ઉઠાવવા પાછળ એવા જ લોકોના હાથ રહ્યા છે, જે આખેઆખા કાંડમાં સામેલ હોય, પરંતુ અસંતોષ સર્જાયા બાદ તેના દ્વારા જ ચીંગારી લગાડવામાં આવી હોય.
આવું પણ જુના જોગીઓ જોઇ રહ્યા છે, અને જે-તે સમયે જિલ્લા પંચાયતમાં કી પોસ્ટ પર ફરજ બજાવતાં કર્ક રાશીના એક મહાશયનું નામ ફરી એક વખત સપાટી પર આવ્યું છે, કહેવાય છે કે, જે તે સમયે આ સ્પેરવ્હીલ જેવા કરતબબાજને પાણીચું પણ પકડાવી દેવામાં આવ્યું હતું, આમ છતાં રાજકીય હિસાબ-કિતાબ કદાચ અધુરો રહી ગયો હોય, એટલાં માટે જ કબર ખોદીને મડદાંના અવશેષો બહાર કાઢવામાં આવી રહ્યા છે.
વિજીલન્સ માટે તો બીજું શું કહીએ...? દેર આયે દુરસ્ત આયે... હવે જ્યારે ભલે કોઇના ડાયરેક્શન હેઠળ તપાસની આ ફિલ્મ શરુ કરવામાં આવી હોય શકે, પરંતુ જરુરી છે કે, જ્યારે તપાસ શરુ થઇ છે ત્યારે તેને અંજામ સુધી પહોંચાડવામાં આવે, જેમ હિન્દી ફિલ્મોમાં છેલ્લે વીલન બેનકાબ થઇ જતો હોય છે, એ રીતે જ ઉપરોક્ત તમામ કથીત કૌભાંડોના ગબ્બરો પરથી પડદો ઉંચો કરવામાં આવે તો જ શરુ થયેલી આ તપાસનો હેતુ પાર પડશે.
કેટલાંક રાજકીય લોકો એવું પણ કહી રહ્યા છે કે, વર્ષોથી જુના જોગી ગણાતાં બે રાજકારણીઓ વચ્ચે ગજગ્રાહ ચાલતો રહ્યો છે, આ પૈકીના એક હાલમાં હાંસીયામાં ધકેલાયેલા છે, જ્યારે બીજા નસીબ કહો કે તેના કસબ કહો, કોઇપણ કારણને લઇને ઉંચાઇ પર છે, એટલે બની શકે કે, આ બંનેની હંમેશા કોલ્ડ જેવી રહેલી વોરનું પણ આ એક કારણ હોઇ શકે.
જે કાંઇ હોય, વિજીલન્સની તપાસ શરુ થતાં સ્વાભાવિક રીતે કૌભાંડીઓને રેલો આવ્યો છે અને જરુરી છે કે, ગુજરાતની ભાજપ સરકાર પણ આ બાબતને ગંભીર ગણીને વિજીલન્સને એવી ફરજ પાડે કે, તપાસનું પરિણામ આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application