ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં બસમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ મુસાફરો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પતાવીને મુસાફરો ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે ૩:૩૦ વાગ્યાના સુમારે બસ જ્યારે નેનાવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગેથી આગ શરૂ થઈ હતી. મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હોવાથી તેમને બચવાનો સમય જ ન મળ્યો.
આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. જીવ બચાવવા માટે મુસાફરોએ બારીઓના કાચ તોડીને બહાર કૂદકા માર્યા હતા. કમનસીબે, એક મુસાફર આગની લપેટમાં આવી જતાં બસની અંદર જ જીવતો ભૂંજાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ધાનેરા અને રાજસ્થાનના સાંચોરથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા, જેમણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ધાનેરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ગંભીર રીતે દાઝેલા છ મુસાફરો હાલ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ એક સરકારી એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. લાલ દરવાજાથી બાવળા જઈ રહેલી આ બસના એન્જિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોકે, અહીં ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસ ઉભી રાખી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.