ગુલાબનગરમાં આઘેડ પર જમાઇ સહિતની ત્રિપુટી દ્વારા હુમલો

  • November 20, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાસરિયાંઓ વારંવાર પૈસાની માંગણી કરતા હોવાથી પોલીસમાં ફરિયાદ કરવા જતાં આરોપીઓ વિફર્યા : ધારીયા, પાઇપ અને સળીયા ફટકાર્યા

જામનગરના ગુલાબનગર વાંઝા વાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના ઉપર તેમજ પોતાના પિતા, ભાઈ અને ભાભી ઉપર ધારીયા, સળીયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે પોતાના પતિ સહિતના ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ વારંવાર માવતરેથી પૈસા લઈ આવવા દબાણ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ કરતાં તેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં ગુલાબનગર વાંઝા વાસ વિસ્તારમાં રહેતી ફરજાનાબેન અનવરભાઈ સિપાઈ નામની ૨૯ વર્ષની પઠાણ જ્ઞાતિની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતાના પિતા ભાઈ અને ભાભી વગેરે પર હુમલો કરી ઇજા  પહોચાડવા અંગે પોતાના પતિ અનવર ઇસ્માઈલ સિપાઈ અને અબાસ ઈસ્માઈલ સિપાઈ તથા મહેબુબ ઇસ્માઈલ સિપાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને તેણીનો પતિ મનદુ:ખ રાખીને માવતરરેથી પૈસા લઈ આવવાનું દબાણ કરતો હતો, અને લાકડી વડે માર માર્યો હોવાથી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી હતી, તે વાતનું  મનદુ:ખ રાખીને આરોપી પતિ અને  તેના ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી- ધોકા અને ધારીયા જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને તેણીના પિતા પર હુમલો કરી દેતાં તેઓને માથું ફાટી ગયું હોવાથી ટાંકા લેવા પડ્યા છે.
 આ ઉપરાંત તેઓને છોડાવવા માટે વચ્ચે પડેલા તેના ભાભી ફરીનબેન તેમજ તેનો ભાઈ મોહસીન પણ છોડાવવા માટે હુમલો કરી દીધો હતો. જેથી મામલો ફરીથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા.
 પોલીસે ફરજાનાબેનની ફરિયાદના આધારે તેણીના પતિ અનવર સિપાઈ ઉપરાંત તેના ભાઈઓ સામે આઇપીસી કલમ ૪૯૮-એ, ૩૨૫, ૩૨૩,૩૨૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે.
***
હાપામાં પાનની દુકાને મજાક મશ્કરી કરવાના પ્રશ્ને યુવાનને માર માર્યો
જામનગર નજીક હાપામાં શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં એક પાનની દુકાને ઉભેલા યુવાનને મજાક મસ્તી કરવાના પ્રશ્ને તકરાર થયા પછી એક શખ્સે માથામાં લોખંડનો પાઇપ ફટકારી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરના હાપા- શિવશક્તિ સોસાયટીમાં રહેતા સોમરાજ નાગાજણભાઈ વીર નામના ૨૭ વર્ષના યુવાને પોતાના માથામાં લોખંડનો પાઇપ ફટકારી લોહી લૂહાણ કરી નાખવા અંગે હાપામાં કાર્તિક સ્વામીના મંદિર પાસે રહેતા જગદીશ બાવરી સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેને માથામાં ૭ ટાંકા લેવા પડ્યા છે.
ફરિયાદી પાનની દુકાને મસાલો ખાવા માટે ઉભો હતો, જે દરમિયાન તેનો મિત્ર જગદીશ બાવરી ત્યાં આવ્યો હતો, અને ફરિયાદી તેની મજાક મસ્તી કરવા લાગ્યો હતો, જે અંગે ખોટું લાગી આવતાં તેણે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application