ખંભાળિયામાં ભાજપના પાલિકા સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

  • October 31, 2023 10:59 AM 

મુળુભાઈ બેરા, પ્રદીપ ખીમાણી અને હસમુખ હિંડોચાએ આપ્યું માર્ગદર્શન

ખંભાળિયામાં મ્યુ. ટાઉન હોલ ખાતે ખંભાળિયા, ઓખા, રાવલ અને સિક્કા નગરપાલિકાના સદસ્યોનો એક દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ દિપ પ્રાગટ્ય તથા વંદે માતરમના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રાજ્ય તથા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે સવિસ્તૃત માર્ગદર્શન આપતું પ્રવચન કર્યું હતું.


બીજા સત્રમાં ભાજપના અગ્રણી પ્રદીપભાઈ વાળાએ અનુભવ કથન વિષય પર રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓની સફળતા તેમજ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવેલા લોક કલ્યાણના વિવિધ સફળ પ્રયોગો સાથે સ્વઅનુભવની વાતો રજૂ કરી હતી


દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ પ્રભારી અને પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આદર્શ જન પ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેના વિચારો તથા ખ્યાલ આપી, અનુભવો સાથે ઉદાહરણો સમજાવ્યા હતા. લોકો સાથે તેમના વ્યવહારો, પ્રવાસ તથા કાર્યાલય અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની જાણકારી આપીને જન પ્રતિનિધિએ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ તેની વિગતવાર ચર્ચા શ્રી ખીમાણીએ કરી હતી.


કાર્યક્રમના અંતિમ સેશનમાં જામનગર ભાજપના અગ્રણી હસમુખભાઈ હિંડોચા દ્વારા હાલ 2023 ની પરિસ્થિતિમાં ભારતીય જનતા પક્ષ છે તે જનસંઘ પાર્ટીમાંથી કઈ રીતે પહોંચ્યો તથા પાર્ટીએ કઈ રીતે વિકાસ સાધ્યો તેના ઉદાહરણો સાથે વિકાસની વાતો કરી હતી. ભાજપના પાયાના પથ્થર સમાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા નેતાઓ દ્વારા રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય અખંડતા, લોકતંત્ર, ધર્મ નિરપેક્ષતા, સમાજવાદ તથા શોષણ મુક્ત સમાજ જેવા પંચનિષ્ઠાના સિદ્ધાંતો વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "મન કી બાત" કાર્યક્રમને સમૂહમાં સાંભળવાના આયોજનમાં અગ્રણી કેતનભાઈ બુદ્ધભટ્ટી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, યોગેશભાઈ મોટાણી, હસુભાઈ ધોળકિયા, અશોકભાઈ કાનાણી વિગેરે પણ જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application