ખંભાળિયા-ભાણવડ પંથકમાં ખેતીવાડીની વીજ સમસ્યા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

  • August 18, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ ગામોમાં આઠથી દસ કલાક વીજ પુરવઠો નિયમિત મળે તે માટેનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય સ્થળોએ ખેતીવાડીમાં હાલ વરસાદ ખેંચાઈ જતા પાકની પરિસ્થિતિ કેટલાક સ્થળોએ બગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ખેતરોમાં ઉભા પાક માટે પાણી પીવડાવવા માટે વીજ પુરવઠાની જરૂરિયાત ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં એકસાથે વીજ માંગમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. અનેક સ્થળોએ વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતી હોવા અંગે થયેલી રજૂઆતો તથા ફરિયાદોના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા કાર્યાલય મંત્રી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર એમ.વી. બોરીસા તથા અન્ય અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
જેમાં ચોક્કસ આયોજન કરીને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળી શકે તેમજ વીજવાયર તૂટે તો તાકીદે રીપેરીંગ થાય અને ટ્રાન્સફોર્મર ઉડી જાય તો તુરંત જ તે બદલી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત રીતે આઠથી દસ કલાક વીજ પુરવઠો મળે તે અંગેની પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના વડત્રા અને બેરાજામાં લાંબી વીજ લાઈન હોવાથી ત્યાં વારંવાર ફોલ્ટ થાય છે. જેથી ત્યાં વિશેષ ટુકડીઓ રાખવા, ખંભાળિયા અને ભાણવડ બંને તાલુકાના મોટા ગામોમાં વાહનો અને ટેકનિકલ સ્ટાફની સાથે ટીમો રાખવા માટેના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.
દરરોજ કોઈપણ ફીડર બંધ થાય કે તે તુરંત જ પૂર્વવત થઈ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખંભાળિયા તાલુકાના હંસ્થળ, ભાડથર, ગોઈંજ, પરોડિયા, માંઝા, વડત્રા, બેરાજા સહિતના ગામોમાં આવેલા ફીડરમાં વીજ પુરવઠો અનિયમિત હોય જે અંગે પણ જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા ભાણવડ બંને તાલુકામાં મળીને, ખેતીવાડીના ૩૪ વીજ ફીડરોમાં આશરે ૩૪ હજાર જેટલા ખેતીવાડી જોડાણ છે. જેમાં હાલ વ્યાપક પ્રમાણમાં વીજ માંગ ઉભી થઈ છે. જેથી આ પ્રકારના વીજ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જે અંગે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પીજીવીસીએલ સૂત્રો દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application