બિપરજોય વાવાઝોડાં અંગે જિલ્લાની સમગ્ર સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ

  • June 28, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડાં દરમિયાન વિવિધ ક્ષેત્રે અસરકારક પગલાંઓ લઈ ઝીરો કેઝ્યુલીટીના લક્ષ્યાંકને સુપેરે પાર પાડવા બદલ સમગ્ર જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવતા પ્રા.સૂર્યપ્રકાશ

કલેકટર કચેરીના સભાખંડ ખાતે એનઆઇડીએમ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા એનડીએમએ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી બિપરજોય વાવાઝોડા અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા વાવાઝોડા પૂર્વે કરેલ તૈયારીઓ, વાવાઝોડા દરમિયાન કરેલ બચાવ અને રાહતની કામગીરી તથા વાવાઝોડા બાદ કરેલ રીસ્ટોરેશનની કામગીરી વગેરે બાબતે ચર્ચા કરી હતી અને જરૂરી વિગતો મેળવી હતી.
ટીમના વડા તરીકે બેઠકમાં ઉપસ્થિત રહેલ પ્રા.સૂર્યપ્રકાશે વિવિધ વિભાગો દ્વારા વાવાઝોડા સંદર્ભે હાથ ધરેલ કામગીરીની વિગતો મેળવી હતી. જિલ્લા કલેકટર બી.એ.શાહ તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહે વિવિધ વિભાગો દ્વારા રચવામાં આવેલ ટીમો, ટીમના સભ્યો, આશ્રય સ્થાનો તથા સ્થળાંતરિત કરાયેલ નાગરિકોની વિગતો, પશુમૃત્યુ, ખેતીવાડી તથા મકાનોને થયેલ નુકસાન, વીજ પુરવઠાની સ્થિતિ, ઉપયોગમાં લેવાયેલ વિવિધ સાધનોની વિગતો, વાવાઝોડાથી થયેલ ખેતી, વિજળી, પાણીપુરવઠો, મત્સ્યદ્યોગ વગેરેની વિગતો તેમજ તંત્ર દ્વારા કરાયેલ વિશેષ ઉલ્લેખનીય કામગીરી વગેરે જેવી વિગતો રજૂ કરી હતી અને તંત્ર દ્વારા હાથ ધરાયેલ સમગ્ર કામગીરીથી માહિતગાર કર્યા હતા.
પ્રા.સૂર્યપ્રકાશે જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી અને ઝીરો કેઝ્યુલીટીના લક્ષ્યાંકને સુપેરે પાર પાડવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે અધિકારીઓ તથા પદાધિકારીઓએ સાથે મળી વિવિધ ક્ષેત્રે અસરકારક આયોજન કરી આવી પડેલી આફતનો સામનો કર્યો અને જિલ્લાના દરેક નાગરિકોને વાવાઝોડા દરમિયાન સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા. આપણે સૌએ આ પ્રકારની આફતમાંથી સતત શીખતા રહેવાનું છે અને ભવિષ્યમાં આવનારી આફતોમાં તે અનુભવનો ઉપયોગ કરી ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારના આયોજનો હાથ ધરાય તે ઈચ્છનિય છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર  બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ બીપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી, ડે. કલેકટર સ્ટેમ્પ ડ્યુટી, નાયબ વન સરંક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, આર્મી,નેવી,એરફોર્સના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સિંચાઈ વિભાગ, પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ, જિલ્લા હોમગાર્ડઝ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application