જામનગરમાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

  • September 01, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે પોલીસ ત્રાટકી : ૩૮ બોટલ અને ૧૫ લીટર શરાબ કબ્જે : દરેડમાં દારુની બાટલી સાથે એકની અટક

જામનગરમાં એક શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં ઇંગ્લીશ દારુનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડીને વિદેશી દારુની ૩૮ બોટલ અને ૧૫ લીટર દારુ મળી કુલ ૩૩ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો, જયારે દરેડ જીઆઇડીસીમાં દારુની બાટલી સાથે એક શખ્સ પોલીસની ઝપટમાં આવ્યો હતો જેની પુછપરછમાં દારુ આપનારનું નામ ખુલ્યુ હતું.
જામનગર શહેર, જીલ્લામાં દારુની બદી નાબુદ કરવા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલા દ્દારા વધુમાં વધુ કેશ કરવા સુચના કરી હતી જે અન્વયે સીટી-બી પીઆઇ એચ.પી. ઝાલા તથા પીએસઆઇ એ.વી. વણકર અને સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ, જયદીપસિંહ, બળભદ્રસિંહ તથા મયુરરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે હાલાર હાઉસ પાછળ પુજા એવન્યુ-૭, રુમ નં. ૧૦૩માં રહેતા દેવેન ચંદ્રકાંત ગોકાણી નામના શખ્સે પોતાના ભોગવટાના ઘરે ઇંગ્લીશ દારુ રાખ્યો છે.
જે હકીકત આધારે પોલીસે રેઇડ કરી રુમમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની ૩૮ બોટલ તથા ૧૫ લીટર ઇંગ્લીશ દારુ જેમાં ૫-૫ લીટરની ૩ બરણીમાં ભરેલો હોય તેમજ એક મોબાઇલ મળી કુલ ૩૩ હજારના મુદામાલ સાથે દેવેન ગોકાણીને પકડી લીધો હતો અને દારુ કયાંથી મેળવ્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી.
બીજા દરોડામાં દરેડના ખોડીયારનગરમાં રહેતા જયેશ સામત વાળાને અંગ્રેજી દારુની એક બોટલ લઇને દરેડ જીઆઇડીસી ફેસ-૨, એપલ ગેઇટ રોડ પરથી નીકળતા પંચ-બી પોલીસે પકડી લીધો હતો, આ દારુની બોટલ દરેડમાં રહેતા તુષાર સાદીયા નામના શખ્સે આપી હોવાનું ખુલ્યુ હતું આથી બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
**
દ્વારકામાં વિદેશી દારુ સાથે એક શખ્સ ઝબ્બે
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન રાયાભા માણેક (ઉ.વ. ૨૨) નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, અહીં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૫,૬૦૦ ની કિંમતની ૧૪ બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો કબજે કરી, પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
**
મેલાણ ગામમાં વિદેશી દારુની ૨૦ બોટલ કબ્જે : આરોપી ફરારથ ઢોરના ચારા નીચે સંતાડેલી બોટલો મળી આવી
મેલાણ ગામ ધાર વિસ્તારમાં રહેતા કિશોર અરજણ હુણ નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં માલઢોરના ચારા નીચે દારુની બોટલો સંતાડી છે એવી બાતમીના આધારે શેઠવડાળા પોલીસે દરોડો પાડયો હતો. રેઇડ દરમ્યાન અલગ અલગ બ્રાંડની કાચની વિદેશી દારુની ૨૦ બોટલ કબ્જે લેવામાં આવી હતી, જયારે દરોડા વખતે આરોપી હાજર મળી આવ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application