જિલ્લા તંત્ર, દ્વારકા નગરપાલિકા, ઓખા નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મેગા ડીમોલેશન બેટ દ્વારકા, આરંભડા, દરિયાઇ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવ્યા બાદ દ્વારકા જિલ્લાનાં ૭ ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવાનું મોટુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં કુલ ૨૧ નિર્જન ટાપુઓ આવેલ છે જેમાં પ્રવેશ પ્રતિબંધિત છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જે ૨૧ પૈકી ૭ ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે . આ ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા , ધોરીયો ,ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ ૩૬ ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલ છે.
તા.૧૧ જાન્યુ.થી બેટ દ્વારકામાં મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. ગેરકાયદેસર બાંધકામ ધરાવનાર માલિકોને તંત્ર દ્વારા અગાઉ નોટીસો પાઠવવામાં આવી હતી. ત્યારબાદ તેમની સાથે બેઠક પણ કરાઇ હતી, ગેરકાયદેસર બાંધકામના મકાનમાલિકોને તંત્ર દ્વારા ઓખા ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારબાદ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર, ખારા તળાવ તેમજ આરંભડાનાં દરિયાકિનારે આવેલ ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ટ્રેઇની આઇએએસ અમોલ આવટેની આગેવાની હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે જિલ્લાનાં ૭ ટાપુઓમાં ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર ૧૫ જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવેલ છે આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા ? તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.