ધરારપ્રેમીએ યુવતીનુ જીવન ઝેર કરી નાખ્યું સગાઇ તોડવ્યા બાદ સાસરે જઇ ધમકી આપી
ધરારપ્રેમીએ યુવતીનુ જીવન ઝેર કરી નાખ્યું સગાઇ તોડવ્યા બાદ સાસરે જઇ ધમકી આપી
May 13, 2026 02:31 PM
સોશિયલ મીડિયા મારફત પરિચયમાં આવેલા સહકાર રોડ પર રહેતા રાજ ઝીંઝુવાડીયા નામના શખસે યુવતીનું જીવન ઝેર કરી નાખ્યું હતું. સગાઇ નક્કી થયા બાદ યુવતીએ મિત્રતા તોડી નાખતા આ શખસે સંપર્ક રાખવા દબાણ કરી તેની સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ યુવતીના અન્યત્ર લગ્ન થઈ જતા તે યુવતી અને તેના પરિવારને ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં યુવતીના સાસરીયે પહોંચી પોતાની પાસે ફોટા હોય જે વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપતો હતો.જેથી અંતે યુવતીએ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિરાટનગર મેઈન રોડ પરના વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સહકાર રોડ રઘુવીર સોસાયટી કલ્યાણ હોલની સામે રહેતા રાજ ભરતભાઈ ઝીંઝુવાડીયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વર્ષ 2022માં કોલેજમાં બીએસસી હોમ સાયન્સનો અભ્યાસ કરતી હતી ત્યારે રાજ ઝીંઝુવાડીયા સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી ત્યારબાદ બંને વચ્ચે ફોન પર અને મેસેજમાં તથા રૂબરૂ વાતચીત થતી હતી વર્ષ 2024 માં યુવતીની સગાઈ નક્કી થતાં તેણે રાજ સાથે મિત્રતા તોડી નાખી હતી.યુવતીની સગાઈની જાણ રાજને થતા તેણે સગાઈ તોડાવી નાખી હતી અને ત્યારબાદ રાજ સતત પોતાની સાથે સંપર્ક રાખવા માટે દબાણ કરતો હતો. ગઇ તા.15/2/2026 ના યુવતીના લગ્ન થયા હતા ત્યારબાદ તા.19/2/2026 ના તે પિયર રોકાવા આવી હતી આ વાતની જાણ રાજને થઈ જતા તે અવારનવાર શેરીમાંથી નીકળતો હતો અને ખુનસપૂર્વક સામે જોતો હતો અને સતત વાત કરવા માટે અને સંપર્ક રાખવા દબાણ કરતો હતો. યુવતી એક દિવસ શેરીમાં ઉભી હતી ત્યારે રાજ તેની પાસે આવી છરી બતાવી કહ્યું હતું કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ભાઈને તથા તારા પિતાને અને પતિને પતાવી દઈશ જેથી યુવતી ડરી ગઈ હતી. ત્યારબાદ રાજ યુવતી જ્યારે ઘરની બહાર જાય ત્યારે પાછળ પાછળ આવતો હતો અને ફોનમાં વાત કરવા માટે તેમજ સંપર્ક રાખવા માટે સતત દબાણ કરી ધાક ધમકી આપતો હતો. માર્ચ મહિનામાં રાજ યુવતીના સાસરીયે પણ પહોંચી ગયો હતો અને ત્યાં કહ્યું હતું કે, મારી પાસે તારા ફોટા છે હું તારા સાસરીયાપક્ષમાં વાયરલ કરી દઉં છું તેમ કહી ધમકાવી હતી બાદમાં તારીખ 5/5/2026 ના ફોન કરી કહ્યું હતું કે જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે આરોપી સામે બીએનએસની કલમ 352, 351(3) અને 78 મુજબ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ વી.એલ. રાઠોડ ચલાવી રહ્યા છે.