કાલાવડના હંસ્થળમાં એક સિંહણનું વિજશોક લાગવાથી મોત ?
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હંસ્થળ વિસ્તારમાં એક સિંહણનું વિજશોકથી મોત થયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે, આજે આ અંગેની વિગતો વહેતી થતા ફોરેસ્ટની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને સ્થાનીક પોલીસની ટુકડી પણ સ્થળે પહોંચી હોવાનું બહાર આવ્યું છે, જો કે આ સમગ્ર ઘટના અંગે ફોરેસ્ટ વિભાગે અકળ મૌન ધારણ કરી લેતા અને અધિકારીઓના મોબાઇલ નો રીપ્લાય થતા હતા, આથી સમગ્ર ઘટના અંગે લગત વિભાગ દ્વારા ભેદી મૌન સેવવામાં આવ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
કાલાવડ તાલુકાના હંસ્થળમાં એક સિંહણનું ભેદી મોત થયાની સ્ફોટક વિગતો આજકાલને સુત્રો દ્વારા આપવામાાં આવી હતી, આથી જામનગર ફોરેસ્ટ વિભાગનો ટેલીફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ લગત વિભાગ દ્વારા ઘટના અંગે ભેદી મૌન સેવવામાં આવી રહયું હોય એ રીતે અધિકારીઓના ફોન નો રીપ્લાય થતા હતા, એવી પણ વિગતો મળી હતી કે, હંસ્થળ ગામના ખરાબા વિસ્તારમાં સિંહણનું મોત વિજશોક લાગવાથી થયું છે, ફોરેસ્ટ ઉપરાંત સ્થાનીક પોલીસને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને એક ટીમ પહોંચી હતી, જો કે સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગને લગત હોય આથી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.
એક સિંહણનું મોત થયાની વ્યાપક ચર્ચાઓ વહેતી થતા અને એ પણ વિજશોકના કારણે મોતને ભેટી હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવતા શોક કેવી રીતે લાગ્યો ? શું ખરાબામાં કોઇ વ્યકિત દ્વારા શોક મુકવામાં આવ્યો હતો ? આ બધા સવાલોના અંકોડા મેળવવા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવાના પ્રયાસો કરાયા હતા પરંતુ કોઇ પ્રત્યુતર મળ્યો ન હતો એટલે કે ફોરેસ્ટની ટીમ દ્વારા અકળ મૌન ધારણ કરી લીધુ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા અરસા પહેલા કાલાવડ પંથક અને જામજોધપુર પંથકમાં સિંહણ આંટા ફેરા કરતી દેખાઇ હતી અને વીડી વિસ્તારમાં દેખાઇ હોવાના ફુટેજ પણ રીલીઝ થયા હતા અને એ પછી સિંહણ દેખાઇ ન હતી, જે તે વખતે સિંહણ દેખાય અને જંગલ વીડી વિસ્તારમાં આંટા ફેરા કરતી હોવાની વિગતો બહાર આવી હતી. આથી આંટા ફેરા કરતી દેખાયેલી સિંહણ જ શિકાર બન્યાની વ્યાપક આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે. જો કે સુત્રોમાથી મળેલી આ વિગતો અંગે લગત વિભાગ એટલે કે ફોરેસ્ટના તંત્ર દ્વારા ભેદી મૌન ધારણ કરી લેવાતા સમગ્ર ઘટના અંગે ચોકકસ કારણ સહિતની વિગતો રહસ્યમય રહેવા પામી છે.