જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ભારે અરેરાટી જગાવનારો કરુણા જનક કિસ્સો

  • April 15, 2024 10:16 AM 

પરપ્રાંતિય શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આપઘાત કરી લેતાં ભારે કરુણાંતિકા: કાલાવડ ફાયર બ્રિગેડ કૂવામાંથી ત્રણેય માસુમ સંતાનો અને શ્રમિક મહિલાના મૃતદેહને બહાર કાઢ્યા: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ


 જામનગર તા ૧૪, જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની પરપ્રાંતિય શ્રમિક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ત્રણ માસુમ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ છે.


આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ માતા પુત્રી સહિતના ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા ખેડૂત દિનેશભાઈ કોટડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની ૨૮ વર્ષીય પરપ્રાંતિય મહિલા સંગીતાદેવી એ પોતાના ત્રણ માસુમ સંતાનો મમતાબેન (ઉમર વર્ષ) અંજલીબેન (ઉંમર વર્ષ ત્રણ) અને પુત્ર શોદન (ઉંમર વર્ષ ૯ માસ) જે ત્રણેયને કૂવામાં ફેંકી દીધા પછી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.


આ બનાવની જાણ થતાં વાડી માલિક દ્વારા સૌ પ્રથમ કાલાવડ ની ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી કાલાવાડ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક પછી એક ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, ત્યારે વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.


આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ શ્રી પટેલ, તેમજ અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ચારેય મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


પરપ્રાંતીય શ્રમિક મહિલાએ ક્યા સંજોગોમાં પોતાના એક સાથે ત્રણ માસુમ સંતાનો ને કુવામાં ફેંકી દીધા અને પોતે પણ જીવ દીધો, તે મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application