રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી વિશ્વની પહેલી જલકથા યોજાવા જઈ રહી છે. ત્યારે આજે શહેરના બહુમાળી ભવન ખાતે દેશની 111 પવિત્ર નદીના જળ ભરેલા કળશ સાથે ભવ્ય જલયાત્રા યોજાઈ હતી. જેમાં મહિલાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ યાત્રા કથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચી હતી. અહીં વરૂણ દેવના યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
15થી 17 ડિસેમ્બર સુધી જલકથાનું આયોજન
દેશના પ્રખ્યાત કવિ અને કથાકાર ડો. કુમાર વિશ્વાસના વ્યાસપીઠે તા. 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની પહેલી ‘જલકથા’ પૂર્વે આજે રાજકોટના રાજમાર્ગો પર ભક્તિ અને જનજાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરી 2100 જેટલા જલકળશની વાજતે-ગાજતે મહાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં જલપ્રેમીઓ, મહિલાઓએ જોડાઈને જળ સંરક્ષણ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળનું પૂજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સમાં યોજાનાર વિશ્વની પ્રથમ ‘જલકથા’ને જુદા-જુદા વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળનાર છે.
ઢોલ-નગારા અને બેન્ડ સાથે જલયાત્રા યોજાઈ
આજે આ તમામ કળશ સાથે મોટી સંખ્યમાં મહિલાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને યાત્રામાં જોડાઈ હતી. ઢોલ-નગારા અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે બહુમાળી ચોકથી નીકળેલી આ યાત્રા મુખ્ય માર્ગ પર ફરીને રેસકોર્સ મેદાન ખાતે પહોંચી હતી. રેસકોર્સના મેદાનમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મહા જલપૂજનનો કરવામાં આવ્યું હતું. વરુણ દેવની આરાધના કરી સૌરાષ્ટ્રની ભૂમિને જળસભર બનાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી.
જલકથાના અનેક રેકોર્ડ સર્જાશે
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન આયોજિત ‘જલકથા: અપને શ્યામ કી’ અનેક રીતે ઐતિહાસિક સાબિત થવાની છે. ડૉ. કુમાર વિશ્વાસ પોતાની આગવી શૈલીમાં જળના મહત્વને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરશે. આ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો જળ-વિશ્વાસ મેળાવડો બનવા જઈ રહ્યો છે, જેની નોંધ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિત 7 પ્રતિષ્ઠિત એજન્સીઓ લેશે. આ રેકોર્ડ્સને પ્રમાણિત કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, OMG બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિ ખાસ રાજકોટમાં હાજર રહેશે.