ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ

  • August 10, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે, જેમાં એક ભૂતનું મંદિર પણ છે. આમ તો ભૂત એ એક જાતનો ભ્રમ છે. કોઈ કહે છે તેમણે ભૂત જોયા છે, તો કોઈ કહે છે ભૂત જેવુ કંઈ હોતુ નથી. શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર નથી. તેવી જ રીતે ગુજરાતના આ ભૂતના મંદિરને પણ પુરાવાની જરૂર નથી. આજે તે ભૂત મંદિર તરીકે આખા દેશમાં પ્રખ્યાત બની ગયું છે. અહી એક ભૂતની પૂજા થાય છે, જેનુ નામ છે બાબરા ભૂત.


અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આ ભૂત મંદિર આવેલું છે જ્યાં એક સમયે લોકો જતા ડરતા હતા, પરંતુ હવે ત્યાં ડર વગર માથુ ટેકવે છે. એવું કહેવાય છે કે, કોઈ પણ માણસ કોઈપણ મુશ્કેલીમાં હોય કે કોઈ પણ કામ માટે બાબરિયા ભૂતની માનતા રાખે તો તેના તમામ કામ પૂર્ણ થાય છે. બાબરા મહારાજ ખેડૂતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે; ખેતરમાં પાકેલું ધાન્ય પહેલા ભૂતને ધરાવ્યા પછી જ ઉપયોગમાં લેવાય છે.


બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.


એક સમય એવો હતો, જ્યાં અહી આવતા પણ લોકો ડરતા હતા. પરંતુ હવે તો અહી શ્રદ્ધાળુઓની સતત ભીડ રહે છે. લોકવાયકા છે કે, વર્ષો પહેલા અહી સાગના વૃક્ષ નીચે એક બાબરા નામના ભૂતનો વાસ હતો. લોકો અહીથી પસાર થતા પણ ડરતા હતા. તેથી અહી તેના નામનું મંદિર બનાવી દેવાયું, ત્યારથી અહી ભૂતનો ડર નથી રહ્યો.


આ વિશ્વનું એકમાત્ર એવુ ભૂત મંદિર છે, જ્યાં લોકોને જવાનો ડર નથી લાગતો. પરંતુ લોકો અહી વિવિધ માનતા પૂરી કરવા આવે છે, પોતાની ઈચ્છા પૂરી કરવા બાધા રાખે છે, અને બાદમાં તેને પૂરી કરવા આવે છે. આ રીતે એક ભૂત શ્રદ્ધાળુઓ માટે બાબરીયા વીર બની ગયો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application