ગોંડલ રોડ પર પુનિતનગરના ટાંકા પાસે વાવડી રોડ પર મધરાત્રીના બે મિત્રો વચ્ચે માથાકૂટમાં એક બીજા પાસેથી છરી ઝૂંટવી હુમલો કરતા બંને ઘવાયા હતા જેમાં એક યુવક આગળ જઈ પડી જતા તેનું મોત નીપજ્યું હતું, સમગ્ર બનાવમાં ઘવાયેલા અને હોસ્પિટલ બિછાને રહેલા યુવકે પોલીસને કહ્યું હતું કે, બંને મિત્રો વતનમાં જવા નીકળ્યા હતા ત્યારે બાઇકમાં આવેલા ત્રણ શખસોએ રોકી છરી વડે હુમલો કરી મારી પાસે રહેલી રોકડ અને મોબાઈલ ઝૂંટવી લીધા હતા હુમલો થતા મિત્ર નાસી ગયાનું મને લાગ્યું હતું, જે બાદ મને સિવિલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો. જો કે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ અને શંકાના આધારે સિવિલમાં સારવાર લઇ રહેલા સંતોષને યુક્તિ પ્રયુક્તિથી પૂછતાં દિનેશ સાથે મોબાઈલ અને પૈસા બાબતે ઝગડો થતા એકબીજાએ છરી વડે હુમલો કરતા છરીનો ઘા દિનેશને લાગી ગયો હોવાની કબૂલાત આપતા ચોંકવનારી હકીકત સામે આવતા પોલીસે સંતોષની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના વાવડી રોડ પર ફાલ્કન કંપનીથી આગળ રહેતો અને કારખાનામાં કામ કરતો સંતોષ મુંદનલાલ જમાર (ઉ.વ.21)નો શ્રમિક યુવક મધ્ય રાત્રીના સાડા ત્રણેક વાગ્યે વતનમાં જવા માટેની ટ્રેન પકડવા માટે પગપાળા જઈ રહ્યો હતો ત્યારે વાવડી રોડ પર આવેલા મામા સાહેબના મંદિર પાસે પહોંચતા બાઇકમાં આવેલા ત્રણ શખસોએ યુવકને આંતરી છરી બતાવી જે કાંઈ હોય એ આપી દેવા ધમકાવ્યો હતો. યુવકે આનાકાની કરતા છરી વડે હુમલો કરી ખીસામાં રહેલા રોકડ રૂ.20,000 અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતા. યુવકને પીઠ અને કમરના ભાગે છરીના ઘા લાગી જતા સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
યુવકના કહેવા મુજબ પોતે મૂળ પ્રયાગરાજનો રહેવાસી છે અને સાત આઠ વર્ષથી રાજકોટમાં રહી કારખાનામાં કામ કરે છે. ગઈકાલે વતનમાં જવું હોવાથી શેઠ પાસેથી પગારના અને ઉપાડ પેટેના પૈસા લઈ વતન જવા માટે નીકળ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી આટલું બોલ્યા બાદ બેભાન થઇ ગયો હતો.
તો બીજી તરફ લૂંટની ઘટના બની એજ સ્થળ નજીકથી વહેલી સવારે અજાણ્યો આશરે 32 વર્ષના યુવકની લાશ પડી હોવાનું રાહદારીને જોવા મળતા પોલીસને જાણ કરી હતી, ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ઘવાયેલો સંતોષ ભાનમાં આવતા પોલીસે જેની લાશ મળી હતી એ મૃતક યુવકનો ફોટો બતાવતા તેને ઓળખી બતાવ્યો હતો અને પોતાનો મિત્ર દિનેશ ચૌહાણ હોવાનું અને પોતાની સાથે જ રહી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે અમે બંને વતન જવા નીકળ્યા હતા ત્યારે લૂંટારુએ છરી વડે હુમલો દિનેશ ભાગી ગયાનું લાગ્યું હતું. અને મને ઇજા થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના નિવેદન અને સ્થળ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસની ટીમને કેટલીક શંકાઓ જતા સિવિલમાં સારવારમાં રહેલા સંતોષની પુછપરછ હાથ ધરતા પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.