સરવાણીયા ગામમાં નકલી પોલીસ બની તોડ કરનાર ટોળકી ઝડપાઇ

  • August 26, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ, ૩ બાઇક, પ મોબાઇલ કબ્જે : પાંચની સધન પુછતાછ

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં નકલી પોલીસ બનીને રુા. દોઢ લાખનો તોડ કરનાર ટોળકીને કુલ ૧.૯૦ લાખના મુદામાલ સાથે ટાઉન પોલીસે પકડી પાડી પુછપરછ હાથ ધરી છે.
કાલાવડના સવાણીયા ગામમાં એક ખેડુતને ખોટા કેસમાં ફીટ કરાવી દેવા પોલીસનો સ્વાંગ રચીને કાવતરાના ભાગરુપે બળજબરીથી રુા. દોઢ લાખ પડાવી લઇ ભયમાં મુકયા હતા આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વાઘેલાની સુચનાથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પટેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સરવાણીયાના પાટીયા પાસે પહોચતા સ્ટાફના સંજયભાઇ, હાર્દિકપરી તથા નવલભાઇને સંયુકત બાતમી મળેલ કે નર્સરી જવાના રોડ પર બે બાઇકમાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં ઉભા છે, પંચ સાથે ત્યાં રેઇડ કરતા સરવાણીયા ગામના ગૌતમ ઉર્ફે કાળો શૈલેષ પાનસુરીયા, મુળીલાના નવીન મુળજી મકવાણા, જયેશ દિનેશ મકવાણાને રોકડા ૫૭૩૦૦ અને ગુનો આચરવામાં ઉપયોગ કરેલ બે બાઇક તથા ત્રણ મોબાઇલ સાથે પકડી લીધા હતા.
આરોપીની પુછપરછ કરતા સહ આરોપી સરવાણીયાના અજય ભરત ચત્રભુજ અને લાલજી વીશા ઝાપડાવાળા પણ ગુનામાં સંડોવાયલા છે જેથી આ બંનેને રોકડા ૪૭૭૦૦ અને એક બાઇક તથા બે મોબાઇલ સાથે પકડી લીધા હતા. પોલીસે કુલ ૧.૫ લાખની રોકડ, ૩ બાઇક, પાંચ મોબાઇલ મળી કુલ ૧.૯૦ લાખનો મુદામાલ કબ્જે કરી પાંચેયની વિશેષ પુછપરછ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application