જામનગર નજીક ડમ્પરે કારને ઠોકર મારતા દંપતિ ખંડીત

  • October 06, 2023 11:58 AM 

જેતપુરથી પુત્રીને ઘરે આંટો દેવા આવતા મોરકંડા પાસે કાળ ભેટયો : વૃઘ્ધને ઇજા : ટ્રકે કારને ટકકર મારી ડીવાઇડર કુદાવી દેતા ડમ્પર સાથે અથડાતા વિચિત્ર અકસ્માત


જામનગર નજીક ગઇકાલે બપોરે બેફામ ગતીએ દોડી રહેલા ટ્રકે કારને ટકકર મારીને ડીવાઇડર કુદાવી દેતા ટેન્કર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત થયો હતો, ધડાકાભેર થયેલા આ વિચિત્ર અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલાનું મૃત્યુ હતું અને તેમના પતિને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જેતપુરથી જામનગર આવતા અકસ્માત નડયો હતો.


જામનગર-રાજકોટ હાઇવે મોરકંડા પાટીયા નજીક ગઇકાલે બપોરે ડમ્પર- કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા મહિલાનું મોત અને એકને ઇજા થયાની વિગતો સામે આવતા પંચ-બીની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને ઘટનાના સીસી ફુટેજ વાયરલ થયા હતા, જેમાં બેફામ ગતીએ આવેલા ડમ્પરે કારને ટકકર મારતા ડીવાઇડર કુદીને સામે આવી રહેલા ટ્રક સાથે જોરદાર અથડાઇ હતી.


આ બનાવ અંગે જેતપુરના સુદામાનગરમાં રહેતા સ્ટોન ક્રશરના ધંધાર્થી નગાભાઇ ઉર્ફે નાગાજણભાઇ લખાભાઇ સોલંકી (ઉ.વ.70)એ પંચ-બીમાં અજાણ્યા ડમ્પરચાલક સામે ફરીયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યુ હતું કે, ડમ્પરના ચાલકે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીની ફોર્ડ ફીયાસ્ટ કાર નં. જીજે3-સીએચ-6207ને ચલાવીને હડફેટે લેતા કાર ટ્રક નં. જીજે12-બીડબલ્યુ-5373ની સાથે અથડાતા ફરીયાદી નગાભાઇને માથા અને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી, અને ફરીયાદીના પત્ની વાલીબેન કારમાં બેઠેલ હોય તેમનું ગંભીર ઇજા થવાથી મોત નિપજયુ હતું. બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તને 108 મારફત સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


જામનગર હાઇવે અને નજીકના સ્થળોએ ગંભીર અકસ્માતોના બનાવો યથાવત રહયા છે, તાજેતરમાં માટલી રોડ, સાંઢીયાપુલ નજીક ગમ્ખવાર અકસ્માતો નોંધાયા બાદ વધુ એક અકસ્માતમાં દંપતિ ખંડીત થયું છે, ફરીયાદના આધારે આરોપી ડમ્પર ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application