યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુરમાં ઠગાઈની ફરિયાદ નોંધાઇ, મિત્ર પાસેથી સોનાનો ચેઇન પ્રસંગમાં પહેરવા માટે લઈ ગયા બાદ ગીરવે મૂકી લોન કરાવી લીધી

  • April 25, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરનાર યુટ્યુબર ગોંડલના મોટા ગુંદાળા ગામે રહેતા બન્ની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટા ગુંદાળા ગામે રહેતા વૃદ્ધના પુત્રનો બન્ની ખાસ મિત્ર હોય જેથી તેણે તેની પાસેથી સોનાનો ચેન પ્રસંગમાં પહેરવા માટે લઈ ગયો હતો બાદમાં આ ચેઇન ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી લોન લઈ આ ચેન પરત ન આપી ઠગાઈ કરી હોવા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતા પરસોત્તમ ભીખાભાઈ કોટડીયા (ઉ.વ 60) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા ભાવિન ઉર્ફ બન્ની ગોરધન ગજેરાનું નામ આપ્યું છે.


હું થોડા દિવસમાં પૈસા પાછા આપી દઈશ

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં એક પુત્ર જયેશ હતો જેનું ચારેક મહિના પહેલા બીમારી સબબ અવસાન થયું છે તેના પુત્ર જયેશ અને આરોપી બંને ખાસ મિત્રો હોય ચારેક વર્ષ પૂર્વે 2021 માં ભાવિન ઉર્ફ બન્ની ઘરે આવ્યો હતો અને ફરિયાદીના પુત્રને કહ્યું હતું કે મારે પૈસાની જરૂરિયાત છે પૈસા આપો. હું થોડા દિવસમાં પાછા આપી દઈશ. પરંતુ પૈસા ન હોવાનું ફરીયાદીના પુત્ર જયશે કહ્યું હતું દરમિયાન બન્નીએ કહ્યું હતું કે મારે પ્રસંગમાં જવું છે તારો ચેન પહેરવા માટે આપ જેથી જયશે તેને ત્રણ તોલાનો ચેન પહેરવા માટે આપ્યો હતો.


મેં તમારા ચેઇન પર ગોલ્ડ લોન કરાવી લીધી છે

થોડાક દિવસ બાદ આ ચેઇન પરત માંગતા થોડા દિવસમાં આપી દઈશ તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે કહ્યું હતું કે મેં તમારા ચેઇન પર ગોલ્ડ લોન કરાવી લીધી છે અને થોડાક દિવસ પછી લોન ના પૈસા ભરી તમને ચેન પાછો આપી દઈશ. ત્યારબાદ બહાના આપતો હતો અને ચેન પરત આપતો ન હતો આ દરમિયાન તેને ચેક આપ્યો હતો. જે ચેક વટાવવા જતા અપૂરતા ભંડોના લીધે પરત કર્યો હતો. આમ ફરિયાદીના પુત્ર પાસેથી પ્રસંગમાં પહેરવા માટે રૂ.3 લાખનો ચેન લઇ તે ચેઇન ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન કરાવી લઈ ઠગાઈ કરી હોય જે અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિન ઉર્ફે બની ગજેરા છેલ્લા ઘણા સમયથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સહિતની ગોંડલની બાબતને લઈ યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરતો હોય જેને લઇ તે ભારે ચર્ચામાં રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application