ખંભાળિયામાં ઝડપાયેલા નશાકારક આયુર્વેદિક પીણાં સંદર્ભે 20 શખ્સો સામે ગુનો દાખલ

  • June 29, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રદ થઈ ગયેલા લાયસન્સનો ઉપયોગ કર્યો: જીએસટી નહીં ભરીને સરકારને ચૂનો ચોપડતા શખ્સો સામે પણ કાર્યવાહી


ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ સંદર્ભે કરવામાં આવેલી વ્યાપક તપાસ બાદ ખંભાળિયા પોલીસ મથકમાં આ પ્રકરણમાં સુનિયોજિત કાવતરું ઘડીને સરકાર સાથે ઠગાઈ કરવા સહિતના ગુનાઓમાં ઉત્પાદક, દુકાનદાર સાથે પરપ્રાંતીય ઈસમો સહિત કુલ 20 સામે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 8 ઓગસ્ટ 2023 ના રોજ ખંભાળિયામાંથી ચોક્કસ કંપનીનો આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો. આ પ્રકરણમાં નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના વેપારી શખ્સ દ્વારા અન્ય સાત આરોપીઓ સામત ખીમા જામ, કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના મૂળ વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદભાઈ જસાણી, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડીયા, વડોદરાના નીતિન અજીતભાઈ કોટવાણી, મીરા રોડ (મુંબઈ)ના તોફિક હાસીમ મુકાદમ અને ઈથાઇલ આલ્કોહોલ બનાવનાર ચોક્કસ કંપનીના માલિક પણજી ખાતે રહેતા પરવેઝ રફિક અહેમદ મોમીન, નામના કુલ આઠ શખ્સોએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં રદ થઈ ગયેલા લાયસન્સના ઉપયોગથી ચોક્કસ નામથી નશો કરવાના હેતુથી માનવ તંદુરસ્તીને હાનિકારક એવા આઈસોપ્રોફાઈલ જેવા નશાયુક્ત આલ્કોહોલ આયુર્વેદિક ઔષધી સીરપનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેનું નશામુક્ત ગુજરાત રાજ્યમાં છૂટક રીતે પાન બીડીના ગલ્લાઓ ઉપર ઈરાદાથી વિતરણ કરતા આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય આ નામની સીરપની 50 બોટલો સાથે ઝડપાઈ ગયો હતો. આ પ્રકરણમાં આરોપી પ્રકાશ અને સામત ખીમા જામ (રહે. ધરાર નગર, ખંભાળિયા) તેમજ અન્ય આરોપીઓ ખીજદડ ગામનો વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરનો દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદનો પંકજ પ્રભુદાસ વાઘેલા, હર્બોગ્લોબલ કંપનીના ભાગીદાર સુનીલ સુરેન્દ્રભાઈ કક્કડ, સંજય પન્નાલાલ શાહ, રાજેશ ગોપાલ પ્રસાદ દોડકે, કંપનીનો મેનેજર ઉમરગામ - વલસાડનો ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા, જુનાગઢનો રહીશ અને આયુર્વેદિક સીરપની ફોર્મ્યુલા તૈયાર કરનાર અમિત લક્ષ્મીપ્રસાદ વસાવડા, એ.એમ.બી. ફાર્મા નામની કંપનીના માલિક વાપીના શીતલ આમોદ ભાવે, આ કંપનીના વહીવટકર્તા આમોદ અનિલભાઈ ભાવે અને સુરેન્દ્રનગરના એક પેઢીના ભાગીદાર મેહુલ રામસિંહ ડોડીયા નામના શખ્સોએ સાથે મળીને સુનિયોજિત રીતે ગુનાહિત કાવતરું કરી, પોતાનો અંગત આર્થિક લાભ લેવા માટે જીએસટી નહીં ભરી, સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટા કિંમતી બિલો તથા ખોટા સ્ટીકરો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.


આમ, સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપના ઉત્પાદનમાં નિયત કરતા વધારે પ્રમાણમાં નશાના ઈરાદાથી આલ્કોહોલનું પ્રમાણ રાખીને તેનું કોઈ નિયત પ્રમાણ કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ઔષધી નાખી, તેનું મહતમ પ્રમાણમાં ઉત્પાદન કરીને ફક્ત ગુજરાત રાજ્ય જેવા નશામુક્ત રાજ્ય અને ટાર્ગેટ કરી આયુર્વેદિક દવાની આડમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આ તમામ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. જે છૂટક રીતે પાન બીડીના ગલ્લા ઉપર વેચાણ કરતા ચોક્કસ નામની બોટલોનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

આ રીતે તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરામાં સામેલ રહીને લોકોને આયુર્વેદિક દવાની આડમાં કથિત નશાયુક્ત આયુર્વેદિક સીરપનું નશાના ઈરાદાથી વેચાણ કરવામાં આવતું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પી.એસ.આઈ. વી.બી. પીઠિયાની ફરિયાદ પરથી ખંભાળિયાના પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સહિત તમામ 20 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 274, 275, 328, 465, 467, 468, 471 તેમજ પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયામાં વધુ એક વખત ગાજેલા આ સીરપકાંડમાં પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી, અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application