રાજકોટ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સુચના અનુસાર, એસ.ઓ.જી. (SOG) બ્રાંચે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં રેઇડ કરીને લાખો રૂપિયાનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો પકડી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા અને તેમની ટીમ જ્યારે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે હ્યુમન સોર્સ (ખાનગી રાહે) દ્વારા એક ચોક્કસ હકિકત મળી હતી. આ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, ગોંડલના મુરલીધર રેસીડેન્સીમાં રહેતો મિતુલભાઇ ઉર્ફે મનીષભાઇ ગીરધરભાઇ બાલધા (પટેલ, ઉંમર વર્ષ ૩૯) નામનો ઇસમ ગુંદાળા ગામની સીમમાં આવેલ 'મહાદેવ ઇન્ડ્રસ્ટ્રીઝ' માં 'જે.પી.મસાલા' નામના કારખાનામાં મરચાનો પાવડર, ધાણાજીરૂ તથા હળદર જેવા મસાલાઓમાં ભેળસેળ કરી તેનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ કરી રહ્યો છે.
આ ચોક્કસ માહિતી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે ફુડ એન્ડ ડ્રગ્સ સેફટી ઓફીસરને સાથે રાખીને સદરહું 'જે.પી.મસાલા' નામના ગોડાઉન પર અચાનક રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચું, જીરૂ, ધાણાજીરૂ અને હળદરનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવાની લાલચે ધાણાજીરૂનું ભુસુ, મકાઇનો લોટ તેમજ પામોલીન તેલનું મીશ્રણ કરી, તેમાં કૃત્રીમ કેમિકલ કલર ઉમેરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ.૪૧,૯૧,૩૫૦ની કિંમતનો ભેળસેળયુક્ત મસાલાનો કુલ મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી, પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલો વિજયગીરી ગોસ્વામી, પૃથ્વીરાજસિંહ ડોડીયા તથા નવદિપભાઇ બાબરીયાની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.