BREAKING NEWS

અમદાવાદમાં હાઇપ્રોઇલ દારૂ-હુક્કાની મહેફિલ કરનાર આયોજક કોણ?, મુંબઈનું કનેક્શન ખુલ્યું, મોંઘીદાટ દારૂની બોટલો મળી, જાણો વિગતે

  • February 05, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોરજ ગામની સીમમાં સ્થિત ‘નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમ ’ ખાતે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે અચાનક દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 81 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વિદેશી દારૂની મહેફિલ યોજાતી હોવાની માહિતી મળતા પોલીસ હરકતમાં આવી હતી.


મુંબઈ રહેતા વેપારીએ સાઢુભાઈ માટે પાર્ટી યોજી હતી

પોલીસ તપાસ મુજબ, મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુભાઈ આદર્શ અગ્રવાલની 25મી લગ્નતિથિ (એનિર્વસરી)ની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટે તેમના મિત્ર રવી ગોરખપુરીયાના નામે આવેલા પ્લોટ નં. 200નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી.


આટલી દારૂની બોટલો મળી

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂ, હુક્કા, મોબાઈલ ફોન અને લક્ઝરી વાહનો સહિત કુલ રૂ. 2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં વિદેશી દારૂની 8 સીલબંધ બોટલો, 7 અડધી ભરેલી બોટલો, 3 ખાલી બોટલો તથા દારૂ પીવા માટે ઉપયોગમાં લેવાતા 70 કાચના ગ્લાસનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 43,550 આંકવામાં આવી છે.


22 લક્ઝરી ફોર-વ્હીલર વાહનો કબજે

આ ઉપરાંત પાર્ટીમાં ઉપયોગમાં લેવાયેલા 10 રબ્બરની પાઇપવાળા હુક્કા (કિંમત રૂ. 10,000), હુક્કા ફ્લેવર્સના 8 પેકેટ અને 33 પ્લાસ્ટિકના ડબ્બા પણ પોલીસે કબજે કર્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી કુલ 74 મોબાઈલ ફોન મળ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 26,30,000 થાય છે. તેમજ સ્થળ પરથી 22 લક્ઝરી ફોર-વ્હીલર વાહનો કબજે લેવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. 2,65,00,000 જેટલી હોવાનું જણાવાયું છે.


પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આયોજક અમિત પચેરીવાલ સહિત હાજર તમામ લોકો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો 65(એ)(એ), 116(બી), 66(1)(બી), 75(એ), 85(1)(3), 81, 84 અને 86 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application