બાજરી, જુવાર, રાગીની ટેકાના ભાવે ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦નું બોનસ ચૂકવાશે

  • May 16, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ટેકાના ભાવે ઉનાળુ બાજરી જુવાર અને રાગીની ખરીદી કરવામાં આવનારી છે. સરકારે આ માટે ટેકાના ભાવ પણ જાહેર કરી દીધા છે. દરમિયાનમાં આજે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત રુ.૩૦૦ નું બોનસ આપવામાં આવશે 
કેબિનેટ મંત્રી બાવળિયાએ વધુમાં જણાવ્યું છે કે ઉનાળુ બાજરી રૂ. ૨,૩૫૦ ના એક ક્વિન્ટલના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનારી છે. તેમાં રુ.૩૫૦ નું બોનસ ઉમેરતા હવે ભાવ રુ. ૨,૬૫૦ થાય છે. આવી જ રીતે જુવારમાં બોનસ સહિત રુ.૩૨૯૦ પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે. જુવારમાં ટેકાનો ભાવ રુ. ૨,૯૯૦ જાહેર કરવામાં આવ્યો છે. રાગીમાં પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ રુ.૩,૫૭૮ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં રુ.૩૦૦ નું બોનસ ઉમેરવાથી હવે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ દીઠ રાગીમાં રૂ. ૩૮૭૮ ચૂકવવામાં આવશે.
​​​​​​​
મિલેટસને લોકપ્રિય બનાવવામાં સમગ્ર દુનિયામાં ભારત મોખરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઉદેશને સાર્થક કરવા માટે રાજ્ય સરકારે બોનસ ચૂકવવાનો નિર્ણય લીધો હોવાનું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું ધાન્ય પાકોની ખરીફ સીઝનમાં ટેકાના ભાવે ચોમાસુ બાજરીની ખરીદી થાય છે. ખરીફ બાજરીની સાપેક્ષમાં ઉનાળુ બાજરીનું ચલણ વધતું રહ્યું છે. તેથી બજારભાવ અન્વયે ખેડૂતોને રક્ષણ મળી રહે તે માટે ઉનાળુ બાજરી માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. જે તે જિલ્લા અને તાલુકામાં આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતેથી ખરીદી કરવામાં આવશે.
અગાઉ કરાયેલી જાહેરાત મુજબ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની મુદત ૧૫ મે સુધીની હતી. પરંતુ સરકારે તે વધારીને ૩૧ મે સુધીની કરી છે. ખેડૂતો આધાર કાર્ડની વિગતો અને એનરોલમેન્ટ સ્લીપ સાથે રાખી ગ્રામ્ય સ્તરે ઈ-ધરા કેન્દ્ર ખાતે નોંધણી કરાવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application