આજના યુગમાં કોઈ પણ ફિલ્મ બનાવવા માટે સેંકડો કલાકારો, ક્રૂ મેમ્બર્સ અને મોટી સ્ટાર કાસ્ટની જરૂર પડે છે. પરંતુ આજે હિન્દી સિનેમાના દંતકથા સમાન અભિનેતા સુનિલ દત્તના જન્મદિવસ નિમિત્તે એક એવા પ્રયોગને યાદ કરીએ જેણે વિશ્વભરના ફિલ્મ જગતને ચોંકાવી દીધું હતું. આજથી બરાબર 62 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1964માં સુનિલ દત્તે એક અનોખી ફિલ્મ બનાવી હતી, જેનું નામ હતું 'યાદેં'.
આ ફિલ્મની સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે 113 મિનિટની આ આખી ફિલ્મમાં પડદા પર માત્ર અને માત્ર એક જ કલાકાર જોવા મળ્યો હતો.
એક જ વ્યક્તિ બન્યો એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર!
ફિલ્મ 'યાદેં' એ સુનિલ દત્તનો એક બહુ સાહસિક અને પ્રાયોગિક પ્રોજેક્ટ હતો, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.
વન મેન શો:- આ ફિલ્મના મુખ્ય અભિનેતા સુનિલ દત્ત પોતે જ હતા, આ ઉપરાંત ફિલ્મનું દિગ્દર્શન (ડાયરેક્શન) અને નિર્માણ (પ્રોડક્શન) પણ તેમણે પોતે જ સંભાળ્યું હતું.
અવાજ અને પડછાયાનો ખેલ:- ફિલ્મમાં અન્ય પાત્રોની હાજરી પણ છે, પરંતુ વાચકો કે દર્શકો તેમને જોઈ શકતા નથી. અન્ય પાત્રો માત્ર બેકગ્રાઉન્ડ અવાજો અથવા ઉલ્લેખો દ્વારા જ અનુભવી શકાય છે. ફિલ્મની છેલ્લી ક્ષણોમાં માત્ર એક તસવીર સ્વરૂપે તેમની પત્ની નરગિસની ઝલક દર્શાવવામાં આવી હતી.શું હતી
આ એવોર્ડ વિનિંગ ફિલ્મની વાર્તા?
આ પ્રયોગ જેટલો અનોખો હતો, તેની વાર્તા એટલી જ ગંભીર અને હૃદયસ્પર્શી હતી
અકેલાપનનો ડર-: વાર્તા એક એવા વ્યક્તિની છે જે સાંજે પોતાના ઘરે આવે છે ત્યારે તેને આખું ઘર ખાલી જોવા મળે છે. તેની પત્ની અને બાળકો ઘરમાં હોતા નથી.
ભૂતકાળની યાદો:- પરિવાર ક્યાંક ચાલ્યો ગયો છે તેવા ડર અને એકલતા વચ્ચે તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરે છે.
પસ્તાવો અને વેદના:- ઘરમાં એકલો અટૂલો પડેલો તે શખ્સ પોતાના ભૂતકાળની ભૂલો પર ભારે પસ્તાવો કરે છે અને એકલતાની નાની-મોટી માનસિક
વેદનાઓમાંથી પસાર થાય છે. અખ્તર-ઉલ-ઇમાન દ્વારા લખાયેલી આ વાર્તાને સુનિલ દત્તે પોતાની એક્ટિંગથી જીવંત કરી દીધી હતી.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સન્માનજનક સ્થાન
આ અનોખી સિદ્ધિના કારણે આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે પ્રશંસા મળી હતી. વિશ્વ સિનેમામાં સૌથી લાંબી અને માત્ર એક જ અભિનેતા ધરાવતી પ્રથમ ફિલ્મ તરીકે તેનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ' માં ગર્વભેર નોંધવામાં આવ્યું હતું. આજે ભલે સુનિલ દત્ત આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પરંતુ તેમનો આ અદભુત આકાશી પ્રયોગ વૈશ્વિક સિનેમાના ઇતિહાસમાં હંમેશા માટે અમર રહેશે.