જામનગર : ખોડીયાર કોલોનીમાં ઇજનેરના ફલેટમાંથી ૮૦ હજાર રોકડની ચોરી
ધોળા દિવસે તાળુ તોડી શખ્સ કળા કરી ગયો : સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સરલાબેન ત્રિવેદી ભવન આવાસની પાછળ રહેતા એક ખાનગી કંપનીના ઇજનેરને મકાનમાં ત્રાટકેલા અજાણ્યા શખ્સે કબાટમાં ડબ્બમાંથી રોકડ રૂ. ૮૦ હજારની ચોરી કરીને લઇ ગયો હતો જે ફરીયાદના આધારે સીસી ટીવી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખોડીયાર કોલોની વિસ્તાર અર્ચના એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૫માં ભાડેથી રહેતા અને મુળ ધારી જીલ્લાના ચલાલા ગામના વતની કૃણાલ વિનુભાઇ મેસીયા (ઉ.વ.૩૦) નામના યુવાને અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ઘરમાંથી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
ગત તા. ૧૮ના સમય દરમ્યાન ફરીયાદી ઇજનેર યુવાનના રહેણાંક ફલેટમાં કોઇ અજાણ્યો શખ્સ ગેરકાયદે પ્રવેશીને મુખ્ય દરવાજાનું તાળુ તોડી કબાટમાં ડબ્બામાં રાખેલા રોકડા રૂ. ૮૦ હજારની ચોરી કરી ગયો છે. જે અંગેની જાણ થતા કૃણાલભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.એચ. ચાવડા તપાસ ચલાવી રહયા છે. આજુબાજુના સીસી ટીવી કેમેરા ચેક કરીને તપાસ લંબાવી છે.