અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ વાટાઘાટો અને સંભવિત ડીલ હવે સંપૂર્ણપણે અટકી પડી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાન દ્વારા અમેરિકાના એક અત્યંત આધુનિક અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ચરમસીમાએ વણસ્યા છે. આ ઘટનાના બદલામાં અમેરિકાના ફાઇટર જેટ્સે ઈરાનના કેશમ ટાપુથી લઈને છેક ઇસ્ફહાન સુધીના અનેક મહત્વના શહેરો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે, જેના કારણે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
આ આઠ શહેરો બન્યા અમેરિકાના હુમલાનું નિશાનયુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના નિર્દેશ પર અમેરિકી વાયુસેનાએ ઈરાનના વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વના એવા આઠ મુખ્ય વિસ્તારોને નિશાન બનાવ્યા છે:
કેશમ ટાપુ: અહીં ક્રમિક છ પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે.
સિરિક ટાપુ: અમેરિકી હુમલામાં અહીંના બે મહત્વના વોટર (પાણી) પ્લાન્ટ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
હોર્મુઝ પ્રાંત: દરિયાઈ માર્ગની સુરક્ષા માટે મહત્વના એવા આ સમગ્ર પ્રાંતમાં ભારે બોમ્બમારો કરાયો છે.
જસ્ક અને મીનાબ શહેર: દક્ષિણ ઈરાનના આ દરિયાકાંઠાના શહેરોમાં અનેક સ્થળોએ હુમલા થયા છે.
બંદર અબ્બાસ: ઈરાનના આ મુખ્ય બંદર શહેરમાં એક પછી એક અનેક મોટા વિસ્ફોટો સંભળાયા હતા.
બુશેહર અને ઇસ્ફહાન: ઈરાનના પરમાણુ અને સૈન્ય મથકો ધરાવતા આ શહેરો પણ યુએસ જેટ્સના નિશાના પર રહ્યા છે.
અહવાઝ (તેલ રાજધાની): ખુઝેસ્તાન પ્રાંતના આ મુખ્ય શહેર પર પણ હુમલો કરાયો છે, જેને ઈરાનની આર્થિક કરોડરજ્જુ અને તેલ રાજધાની માનવામાં આવે છે.
ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય, બહેરીનમાં વળતો પ્રહાર
અહેવાલો અનુસાર, ૧૦ જૂનની વહેલી સવારે દક્ષિણ ઈરાનના આ વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ બાદ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી (એર ડિફેન્સ સિસ્ટમ) તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને જવાબી ફાયરિંગ શરૂ કરાયું હતું. બીજી તરફ, ઈરાનના સૈન્ય સંગઠન આઈઆરજીસી (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાને જડબાતોડ જવાબ આપતા બહેરીનમાં આવેલા યુએસ ફિફ્થ ફ્લીટ (પાંચમા નૌકાદળ બેડા) ના મુખ્ય મથક પર હુમલો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
આ સૈન્ય ઓપરેશન શરૂ થયા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા "ખૂબ જ શક્તિશાળી અને મજબૂત" હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશથી ૯ જૂનની સાંજે સ્થાનિક સમય મુજબ ૫:૦૦ વાગ્યે આ જવાબી હુમલાની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમા પર પેટ્રોલિંગ કરી રહેલા યુએસ અપાચે હેલિકોપ્ટરને પાડી દીધું હતું. જોકે, સદનસીબે બંને અમેરિકી પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયા છે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકી સેના પરના આવા હુમલાને ક્યારેય સહન કરવામાં નહીં આવે અને તેનો જડબાતોડ જવાબ આપવો અનિવાર્ય હતો. હાલમાં આ ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત નાજુક અને તણાવપૂર્ણ બનેલી છે.