કતાર: ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓને ફાંસી, MEAએ કહ્યું કાનૂની મદદ માટે તૈયાર

  • October 26, 2023 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગયા વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. આ મામલાની જાણ હોય તેવા તમામ લોકોનું કહેવું છે કે આ તમામ લોકો પર જાસૂસીનો આરોપ છે. આ સાથે જ ભારત સરકારે ગુરુવારે કહ્યું કે કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે.


કતાર દ્વારા હજૂ સુધી નથી આપવામાં આવી માહિતી

મળતી માહિતી પ્રમાણે ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ તમામ આઠ લોકો પર જાસૂસી કરવાનો આરોપ છે.


ભારત સરકારે ગુરુવારે કહ્યું, "અમને માહિતી મળી છે કે અલ દહરા કંપનીમાં કામ કરતા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડના કેસમાં કતારની એક અદાલતે પોતાનો ચુકાદો સંભાળાવ્યો છે. કોર્ટે ચુકાદો સંભળાવતા તેમને મૃત્યુદંડની સજા આપી છે. અમે લોકો આઘાતમાં છીએ. મૃત્યુદંડના નિર્ણય અને ચુકાદાની વિગતવાર નકલની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમ સાથે પણ સતત સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. તેમજ દરેકની કાનૂની મદદ માટે તૈયાર છીએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application