જામનગર નજીક યુવકનું અપહરણ કરી ૭૪ હજારની લૂંટ
ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ આરોપીએ કાવતરૂ રચ્યું : ચાર સામે ગુનો નોંધાયો : છરી-ધોકો બતાવી બે ભાઇના ડુંગર પાસે લઇ ગયા
જામનગર નજીક રહેતા શ્રમિક યુવાનનો ઓનલાઇન ચેટીંગ એપ માફરતે એક શખ્સ સાથે સંપર્ક થયો હતો દરમ્યાન આરોપીઓએ પૈસા પડાવવાના ઇરાદે કાવતરૂ રચીને યુવાનને કારમાં અપહરણ કરી જઇ ધમકી આપી રોકડ અને મોબાઇલ તથા એટીએમ ખાતામાંથી રકમ ઉપાડીને કુલ ૭૪ હજારની લુંટ ચલાવ્યાની ચાર શખ્સ સામે પંચ-બીમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરા (ઉ.વ.૩૭)એ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગઇકાલે રવિરાજ તથા ૩ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદીને ઓનલાઇન ચેટીંગ એપ મારફતે આરોપી રવિરાજ સાથે સંપર્ક થયો હતો, દરમ્યાનમાં આ શખ્સે તેના ૩ મિત્રો સાથે મળી રૂપીયા પડાવવા માટે પુર્વ આયોજીત કાવતરૂ રચ્યુ હતું. કાવતરાના ભાગરૂપે આરોપીએ ફરીયાદીને નક્કી કરેલા સ્થળે કાળા રંગની સ્વિફ્ટ કાર નં. જીજે-૧૦-ઇએચ-૧૬૦૫ લઈને આવેલા રવીરાજ સાથે ફરિયાદી ભીખાલાલ કારમાં બેઠા હતા. ત્યારબાદ કાર બે ભાઈના ડુંગર તરફ લઈ જવામાં આવી હતી. રસ્તામાં એક દુકાન પાસે કાર ઉભી રાખી રવીરાજે પોતાના અન્ય ત્રણ સાગરિતો સાથે વાતચીત કરી હતી અને બાદમાં ફરિયાદીને નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ ત્યાં ચારેય આરોપીઓએ ફરિયાદીને માર મારી કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું. એક આરોપીએ છરી અને અન્ય આરોપીએ ધોકો બતાવી રૂ. એક લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી ભીખાભાઇનો અંદાજે ૧૫ હજાર કિંમતનો મોબાઇલ ફોન, પાકીટમાં રહેલા એટીએમ કાર્ડ અને રૂ. એક હજારની રોકડ લૂંટી લેવામાં આવી હતી. ઉપરાંત એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીના બેંક ખાતામાંથી ૫૮ હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આમ કુલ ૭૪ હજારની લૂંટ ચલાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯(૬), ૧૪૦(૨), ૬૧(૨) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી પંચકોશી બી. ડિવિઝન ના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.