બોલીવૂડ ઈન્ડસ્ટ્રીઝનો પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ફિલ્મફેર એવોર્ડ. આ વખતે 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. 11 ઓક્ટોબરને શનિવારે અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયા ખાતે યોજાશે. જેને લઈને તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ સિતારાઓથી ઝળહળી ઉઠશે અને લોકો પોતાના ચહિતા સ્ટારની એક ઝલક જોવા માટે આતુર છે.
આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈ નેતાઓ, અભિનેતાઓ સામેલ થશે. આ ગ્રાન્ડ ઇવેન્ટને શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ ત્રણેયની જોડી રાતને યાદગાર બનાવશે. ખાસ વાત એ શાહરુખ ખાનના 17 વર્ષના લાંબા સમય બાદ આ એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યો છે.
આ ગ્રાન્ડ ઇવેન્ટને શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ ત્રણેયની જોડી રાતને યાદગાર બનાવશે. ખાસ વાત એ કે શાહરુખ 17 વર્ષના લાંબા સમય બાદ આ એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. એક્ટરે કહ્યું કે 'મેં પહેલીવાર બ્લેક લેડીને મારા હાથમાં પકડી ત્યારથી ફિલ્મફેર મારા દિલની ખૂબ નજીક છે. આ સફર પ્રેમ, સિનેમા અને જાદુથી ભરેલી છે. 70મા વર્ષમાં ફરીથી હોસ્ટ તરીકે પાછા ફરવું મારા માટે ખૂબ જ ખાસ છે. હું વચન આપું છું કે આ રાત હાસ્ય, યાદો અને ફિલ્મોની અદ્ભુત ઉજવણીથી ભરેલી રહેશે.'
ગુજરાતી કલાકારોનો પણ મેળાવડો જામશે
સંજય ગોરડિયા, હિતુ કનોડિયા, અરવિંદ વેગડા, પાર્થ ઓઝા, માનષી પારીખ, મિત્ર ગઢવી, આરોહી પટેલ, મલ્હાર ઠાકર, યશ સોની, આર્જવ ત્રિવેદી, જાનકી બોડીવાલા હાજરી આપે એવી શકયતા છે.
ગુજરાતનાં ઐતિહાસિક સ્થળોને ફિલ્મફેર હાઇલાઇટ કરશે
ફિલ્મફેરમાં સેક્શનના નામકરણ દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક અને પ્રવાસન વારસાને બોલિવૂડના ગ્લેમરસ મંચ પર એક વિશેષ ઓળખ મળી છે. આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતનાં વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનશે. કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવાં ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ જેવાં સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોર્ડ્સ હાઇલાઇટ કરશે. ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે.
જાનકી બોડીવાલા પર રહેશે નજર
ફિલ્મફેર 2025માં ગુજરાતીઓની નજર એક્ટ્રેસ જાનકી બોડીવાલા પર રહેશે. તાજેતરમાં એક્ટ્રેસને નેશનલ એવોર્ડ અને IIFA મળ્યો હતો. એને બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (ફિલ્મ-શેતાન) માટે નોમિનેશન મળ્યું છે.
આ ઇવેન્ટને લઈ કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલ સાત જેટલા ગેટમાંથી લોકો પ્રવેશ મેળવી શકશે. જેમાં VVIP અને VIP માટે અલગ એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યો છે. તેમજ જે લોકો ટિકિટ ખરીદીને આવવાના છે તેમને પણ અલગ અલગ ગેટ પરથી પ્રવેશ આપવામાં આવશે.
અહીંથી ટિકિટ લઈ શકાશે
જે લોકો ફિલ્મફેર એવોર્ડ જોવા માંગતા હોય તેમના માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આવેલા શ્રી સમર્પણ હોલ નજીક બોક્સ ઓફિસ (ટિકિટ વિન્ડો) બનાવવામાં આવી રહી છે. જ્યાંથી લોકો 5,000 થી લઈ 50 હજાર રૂપિયા સુધીની ટિકિટ મેળવી શકશે. એક્કા ક્લબ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આવી રહેશે પાર્કિંગની વ્યવસ્થા
એક્કા ક્લબ અને કાંકરિયાની આસપાસના તમામ રોડ રસ્તા ચકાચક તૈયાર કરી દેવાયા છે. ફિલ્મફેર એવોર્ડ જોવા આવનારા લોકોને કાંકરિયા પરિસરની આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે. સૌથી નજીક કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગ અને ફૂટબોલ ગ્રાઉન્ડ પાર્કિંગ માટે રાખવામાં આવ્યું છે.
આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
બેગ્સ, પાવરબેંક, ઈયર બર્ડ-ઈયર ફોન, પાણીની બોટલ, ફૂડ, સિગારેટ, પ્રોફેશનલ કેમેરા, સેલ્ફી સ્ટીક, ડ્રોન, લેપટોપ, સિક્કાઓ, હેલ્મેટ અને જ્વલનશીલ પદાર્થ અંદર લઈ શકાશે નહીં.