ધારી ગીર પૂર્વની ૭ રેન્જમાં ૬૮ પોઇન્ટ તૈયાર કરાયા સિંહોના પીવાના પાણી માટે વ્યવસ્થા

  • March 13, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે ને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન, બાન અને શાન છે. ત્યારે ઉનાળાના પ્રારંભે જ ગીરના ડાલામથ્થા સિંહો માટે ધારી વનવિભાગે પાણી પહેલા જ પાળ બાંધી લીધી છે ને ઉનાળામાં સિંહોને પાણી માટે વલખા ના મારવા પડે તે માટે ધારી ગીર પૂર્વની ૭ રેંજોમાં પાણીના પોઇન્ટ, ટેન્કર, સોલાર પવન ચક્કીનો ઉપાયોગ કરીને સિંહોની સુરક્ષા સાથે સિંહો પ્રત્યેની કાળજી અંગે વિશેષ તકેદારી ધારી વનવિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગીરના સિંહોને ઉનાળાના આરંભે પીવાના પાણી અંગે વનવિભાગે સુંદર વ્યવસ્થા કરી છે. દુનિયાભરમાં જેમની એક ઝલક જોવા વિદેશથી ગીર સુધી જોવા આવવું પડે તેવા એશિયાટીક સિંહો અમરેલી જિલ્લાની આન, બાન અને શાન છે. સિંહો જોવા પર્યટકો દેશ વિદેશ માંથી સાસણ, સફારીપાર્કમાં આવે છે પણ આ ઉનાળાના આરંભે જ ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા દ્વારા આગોતરૂં આયોજન ગીરના ડાલામથ્થા સિંહો માટે કર્યું છે ને ધારી ગીર પૂર્વની ટોટલ ૭ રેંજ આવેલી છે. હડાળા રેન્જ, ખાંભા- તુલસીશ્યામ રેન્જ, જસાધાર રેન્જ, દલખાણીયા રેન્જ, પાણીયા રેન્જ, સરસીયા રેન્જ અને  સાવરકુંડલા રેન્જ. દર વખતે ઉનાળામાં સિંહો પીવાના પાણીની શોધ માટે ગ્રામીણ ગામડાઓમાં ઘુસી જાય છે ને વાડી-ખેતરો સાથે ગામડામાં સિંહો પાણી પીતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. પણ આ વખતે ધારી ગીરના ડી. સી.એફ. ઝાલા દ્વારા ૭ રેંજમાં પીવાના પાણીના સોર્સ ઉનાળાની અગમચેતીના ભાગરૂપે શરૂઆતથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમના પર અલગ સ્ટાફ સહિતની સુંદર વ્યવસ્થા ધારી વનવિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા મથકોમાંથી ૧૦ તાલુકા મથકો પર સિંહોએ પોતાનું સામ્રાજય સ્થાપી દીધું છે ને જંગલ સાથે રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહોનો એટલો જ વ્યાપ વઘ્યો છે તેનું મુખ્ય કારણ સિંહોની સુરક્ષામાં સિંહો પ્રત્યેની સરકારની સંવેદના સાથેની નીતિ વનવિભાગની સુંદર અને કાબીલેદાદ જહેમત કહીએ તો અતિશયોકિત ભર્યું નથી જ. કેમ કે દિવસ-રાત સિંહોની સજજડ સુરક્ષા અને સિંહોની સગવડતા માટે વનવિભાગ ર૪ કલાક અને૩૬પ દિવસ સુધી કાર્યરત નું પરિણામ જ સિંહોની વસ્તી વધી છે. સિંહોના વધતા સામ્રાજયને ઘ્યાને રાખીને ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો માટે ઉનાળામાં સિંહોને પાણી માટે વલખા ના મારવા પડે તે અંગે  એસ.આર. ત્રિવેદી એ.સી.એફ.- ધારી ગીર પૂર્વ દ્વારા ધારી ગીરની ૭ રેન્જમાં સિંહો માટે પાણીના પોઇન્ટની ઉભા કરાયા છે. જેમાં ગીર પૂર્વ વિભાગમાં કુદરતી પાણીના બિંદુઓ ૬પ બિંદુઓ આવ્યા છે તો કૃત્રિમ પાણીના-ર૦૩ પોઇન્ટ સાથે કુલ-ર૬૮ પાણીના સોર્સિસ ઉભા કરવામાં આવ્યા છે. જયારે શ્રમયોગી દ્વારા ૬૮ પોઇન્ટ, ટેન્કર દ્વારા ૬૬ પોઇન્ટ, પવનચક્કી દ્વારા ર૬ પોઇન્ટ, ડીઝલ એન્જિન દ્વારા ૧૦ પોઇન્ટ, સોલાર સૌર પાણીનાં પંપ ના ર૮ પોઇન્ટ જયારે અન્ય ૭૦ જેટલા પોઇન્ટ સાથે વનવિભાગે ઉભા કરીને ગીરનું ઘરેણું ગણાતા સિંહો માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લીધે સિંહોનું સ્થાપત્ય અકબંધ જળવાઈ રહ્યું છે. તેમ પૂરતી તકેદારી રાખી હોવાનું ધારી વનવિભાગના એ.સી.એફ. ત્રિવેદીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application