સાક્ષી મર્ડર કેસમાં ૬૪૦ પાનાની ચાર્જશીટ: સાહિલે બદલો લેવા હત્યા કરી

  • June 29, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીની શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલે સાક્ષીને 22 વખત છરીના ઘા માર્યા હતા: આગામી સુનાવણી પહેલી જુલાઈએ થશે




નવી દિલ્હીઃ 23 વર્ષીય સાહિલ ખાન દ્વારા 16 વર્ષની સાક્ષીની હત્યાને 'પૂર્વ આયોજિત' અને 'પૂર્વ નિયોજિત બદલા' તરીકે ગણાવતા દિલ્હી પોસીસે આ કેસમાં 640 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. 28 મેના રોજ ઉત્તર-પશ્ચિમ દિલ્હીની શાહબાદ ડેરીમાં સાહિલે સાક્ષીને 22 વખત છરીના ઘા માર્યા હતા. પોલીસે સોમવારે તેનો રિપોર્ટ દાખલ કર્યો હતો. આગામી સુનાવણી પહેલી જુલાઈએ થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મેળવવામાં આવેલા સાક્ષીના નખની અંદરની ચામડીનો ટુકડો અને ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ થઈ હતી કે, તે સાહિલનો હતો, જે શંકા વગર તેને દોષિત જાહેર કરતો હતો. વધુમાં, સાક્ષી અને સાહિલ વચ્ચેના કોલ રેકોર્ડિંગના વોઈસ સેમ્પલ પણ મેચ થઈ રહ્યા છે, જેનાથી પોલીસે ગુનાહિત ઈરાદાની જાણ કરવામાં મદદ મળી હતી, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. સાહિલે હત્યા કરવા માટે અઠવાડિયા પહેલા જ હથિયાર ખરીદી લીધું હતું, જેના કારણે તે પૂર્વઆયોજિત ગુનો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું.



સ્પેશિયલ કમિશનર (લો એન્ડ ઓર્ડર) દીપેન્દ્ર પાઠકે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન એકઠા કરાયેલા સીસીટીવી ફૂટેજ અને વોઈસ સેમ્પલના ઉપયોગની સાથે વૈજ્ઞાનિક અને જૈવિક પુરાવાના આધારે આ 'વોટરટાઈટ' (ત્રુટિહિન) કેસ છે. 'ચાર્જશીટ એક મહિનાની અંદર તૈયાર કરવામાં આવી હતી. હત્યા સિવાય જાતીય સતામણી, પોક્સો એક્ટ અને SC/ST સહિતની આઈપીસીની કલમ હેઠળ દાખલ કરવામાં આવી હતી', તેમ તેમણે ઉમેર્યું હતું.



સૂત્રોએ જણાવ્યું હતું કે, સાક્ષીએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન તેની થોડી ચામડી સાહિલના નખમાં ફસાઈ ગઈ હતી, બાદમાં સાહિલે તેની હત્યા કરી હતી. આ સિવાય પથ્થર, સાહિલના જૂતા, કપડા અને છરી પર રહેલા લોહીના ડાઘા સાક્ષીના લોહી સાથે મેચ ખાતા હતા. 'આ કેસમાં મેડિકલ અને બાયોલોજિકલ પુરાવા ખૂબ જ મહત્વના છે અને તે પૂરી રીતે પીડિત સાથે મેચ થાય છે', તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.



ઊંડાણમાં કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો હતો કે, સાક્ષી અને સાહિલ અગાઉ રિલેશનશિપમાં હતા, પરંતુ બાદમાં સાક્ષીએ સાહિલથી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બંને વચ્ચે દલીલો થતી હતી. 27 મેના રોજ સાંજે સાક્ષી અને સાહિલ વચ્ચે બબાલ થઈ હતી, તે સમયે તેમના બે મિત્રો પણ ત્યાં હાજર હતા. સાહિલે પોલીસને જણાવ્યું હતું કે, તેને અપમાનિત અને અવગણના કરવામાં આવી હોવાનું મહેસૂસ થયું હતું તેથી તેણે સાક્ષીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.



ઘટના 28 મેના રોજ બની હતી. સાહિલે સાક્ષીની હત્યા કરી તેના થોડા કલાક પહેલા મિત્ર સાથે બેસીને દારુ પીધો હતો. બાદમાં જ્યારે સાક્ષી મિત્રના દીકરાની બર્થ ડે પાર્ટીમાં જવા માટે જાહેર બાથરૂમમાં તૈયાર થવા જઈ રહી હતી ત્યારે સાહિલે તેને પકડી હતી. તેણે તેના પર પહેલા છરીથી હુમલો કર્યો હતો અને બાદમાં પથ્થરથી માથુ છુંદી નાખ્યું હતું. લોકોની સામે જ સાહિલે સાક્ષીને છરીના ઘા માર્યા હતા પરંતુ કોઈએ પણ પોલીસને ફોન કર્યો નહોતો. પોલીસને ઘટના વિશે 30 મિનિટ બાદ જાણ થઈ હતી જ્યારે કોઈ સ્થાનિકે તેમને ગલીમાં એક છોકરીની લાશ પડી હોવાનું કહ્યું હતું. હત્યાનો કેસ નોંધ્યા બાદ બુલંદશહરમાંથી સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.


સ્પેશિયલ સીપી પાઠકે કેસની તપાસ માટે ડીસીપી રવિ કુમાર સિંહ અને એડિશનલ ડીસીપી રાજા બંઠિયાની સ્પેશિયલ ટીમની રચના કરી હતી. પોલીસે પહેલા સાહિલ અને સાક્ષી વચ્ચે ઝઘડો થયો તે સમયે ત્યાં હાજર બંને મિત્રોની સાથે અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી હતી. બાદમાં છોકરીના પુરુષ મિત્રનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. પોલીસે સાહિલના માતા-પિતાને કેટલાક સવાલ કર્યા હતા. સાહિલની ધરપકડ બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર કબ્જે કર્યું હતું, જે રોહિણીમાં નાળામાં ફેંકવામાં આવ્યું હતું. પોલીસ સાહિલને હત્યા કરી તે સ્થળ અને પહેલા તેમજ બાદમાં જે માર્ગ પરથી પસાર થયો હતો ત્યાં રિક્રિએશન માટે લઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application