ચારધામ યાત્રાના પેકેજના નામે સિનિયર સિટીઝનો સાથે ૬.૬૭ લાખની છેતરપિંડી

  • April 05, 2024 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફત છેતરવામાં આવતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક આવા બનાવની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિવૃત્ત સરકારી ઓનલાઇન હોલીડે પેકેજ સર્ચ કર્યા બાદ એક જાહેરાત જોઈ અતિથિ ટ્રિપ હોલિડેઝમાં ચારધામની યાત્રા માટેનું ૨૬ સભ્યોનું રૂપિયા ૭ લાખમાં પેકેજ બુક કરાવી એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. હરિદ્વાર પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આવું કોઈ પેકેજ બુક થયું નથી જેથી આ ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, દોશી હોસ્પિટલ રોડ માલવીયાનગર પાછળ ગુરૂપ્રસાદ સોસાયટી બ્લોક નંબર ૬ માં રહેતા પ્રદીપભાઈ ઉપેન્દ્રભાઈ રાવલ (ઉ.વ ૬૨) દ્વારા આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રદીપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન પસાર કરે છે.
​​​​​​​
ગત તારીખ ૧૯/૬/૨૦૨૩ ના રોજ તેમને ચારધામ યાત્રામાં જવાનું નક્કી કર્યું હોય જેથી ઓનલાઇન ચારધામ યાત્રાના પેકેજ માટે સર્ચ કરતા અતિથિ ટ્રિપ હોલીડે નામની ટુર કંપની જોવા મળી હતી જેમાં પ્રવીણ શર્માનો કોન્ટેક્ટ કરી ચારધામની યાત્રા બાબતે વાતચીત કરતા યાત્રાના પેકેજ માટે વ્યક્તિદીઠ રૂપિયા ૩૦,૦૦૦ જણાવ્યા હતા. જેથી ફરિયાદી તથા તેના પરિવાર અને મિત્ર સર્કલના મળી કુલ ૨૬ સભ્યો માટે પેકેજના કુલ રૂપિયા ૭.૮૦ લાખ જણાવ્યા હતા અને એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું હતું. બાદમાં વારંવાર વાતચીતના અંતે કુલ રૂપિયા ૬,૬૬,૯૯૯ ફરિયાદીએ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ચૂકવી આપ્યા હતા.
બાદમાં ગ્રુપ સર્કલમાંથી ૨૬ માંથી ૨૨ વ્યક્તિને ચારધામ યાત્રામાં જવાનું નક્કી થયુ હતું. જેથી તારીખ ૨૧/૯/૨૦૨૩ થી ૧૦-૧૦-૨૦૨૩ નું પેકેજ જણાવ્યું હતું. બાદમાં તારીખ ૨૧/૯/૨૦૨૩ ના હરિદ્વાર પહોંચ્યા હતા અહીં પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે તેમનું કોઈ પેકેજ બુકિંગ થયું નથી. જેથી હરિદ્વાર ખાતે પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ૬,૬૬,૯૯૯ ની છેતરપિંડી અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application