BREAKING NEWS

સેક્સ પાવર વધારવાની દવા આપી 5000ને ફસાવ્યા, અમદાવાદમાં કોલ સેન્ટર ઉભું કર્યું'તુંઃ ટોળકી ઝડપાઈ

  • July 10, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર સીઆઈડી (CID) ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આજે ૧૦ જુલાઈએ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધમધમતા એક હાઈટેક કોલ સેન્ટર પર દરોડો પાડીને, સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે દેશભરના હજારો લોકો સાથે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૪૦૦૦થી ૫૦૦૦ નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વસ્ત્રાલ અને ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર અને યુવતી સહિત કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જાહેરાત જોઈ સંપર્ક કરનારને નકલી પોલીસ બની ધમકાવતા

આ શાતિર આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "શક્તિવર્ધક દવા", "૧૦૦ ટકા ગેરંટી", "આયુર્વેદિક સારવાર" અને "પરફોર્મન્સ વધારવાની દવા" જેવી લોભામણી જાહેરાતો પોસ્ટ કરતા હતા. આ જાહેરાતો જોઈને જે ગ્રાહકો આપેલા નંબર પર સંપર્ક કરતા, તેમને કોલ સેન્ટરના ટેલીકોલર્સ પોતે ડૉક્ટર કે તબીબી નિષ્ણાત હોવાની ઓળખ આપી દવા ખરીદવા માટે લલચાવતા હતા.


જો કોઈ ગ્રાહક પાર્સલ મેળવીને નાણાં ચૂકવી દે, તો આરોપીઓનો અસલી ખેલ શરૂ થતો હતો. આરોપીઓ ગ્રાહકને ફોન કરીને નકલી પોલીસ અધિકારી કે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકેની ઓળખ આપતા હતા અને ડરાવતા હતા કે તેઓએ ઓનલાઇન પ્રતિબંધિત દવા મંગાવી છે જે ગુનો છે. ત્યારબાદ, ગ્રાહકના જ વિસ્તારના પોલીસ સ્ટેશન કે એસપી કચેરીના નામે એફઆઈઆર (FIR) અને જેલની સજાનો ડર બતાવી, કેસ રફેદફે કરવાના બહાને રૂ. ૨,૦૦૦થી લઇને ૧ લાખ સુધીની ખંડણી બળજબરીપૂર્વક પડાવતા હતા. જો કોઈ ગ્રાહક ડરના માર્યા પાર્સલ ન સ્વીકારે, તો પણ તેને જેલ ભેગા કરવાની ધમકી આપીને રૂપિયા વસૂલવામાં આવતા હતા.

દરરોજ ૩૦ હજારની જાહેરાતો અને યુપી કનેક્શન
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સમગ્ર કારોબાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ૧૫ સીટરના મોટા કોલ સેન્ટર પરથી સંચાલિત થતો હતો. આ ગેરકાયદે ધંધાનો મુખ્ય સંચાલક ઉત્તર પ્રદેશના ઇટાવામાં રહેતો દેવેન્દ્રસિંહ રાજાવત છે. સાયબર ક્રાઈમના ડિજિટલ ડેટા વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, ગ્રાહકોને ફસાવવા માટે આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો પાછળ દરરોજ અંદાજે રૂ. ૩૦ હજાર જેટલો માતબર ખર્ચ કરતા હતા. આ ગેંગ ઉત્તર પ્રદેશના બીધુના ખાતે આવી જ બીજી ટીમ સાથે નવું કોલ સેન્ટર શરૂ કરવાની ફિરાકમાં હતી તે પહેલા જ પોલીસે તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે.


૧૪ બેંક ખાતામાંથી ૫ કરોડના શંકાસ્પદ વહીવટો અને મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન કોલ સેન્ટર પરથી વ્યાપક પ્રમાણમાં ડિજિટલ અને ભૌતિક મુદ્દામાલ કબ્જે કર્યો છે, જે નીચે મુજબ છે. 

44 મોબાઇલ ફોન, 23 સીપીયુ અને 2 લેપટોપ

1 મોનિટર, 3 કોલર આઇડી ફોન અને 3 પેન ડ્રાઇવ

5 બેંક પાસબુક, 1 ચેક બુક અને 1 ક્યૂઆર કોડ

ગ્રાહકો સાથે વાતચીત કરવાની કોલર ટ્રાન્સસ્ક્રિપ્ટ અને શક્તિવર્ધક દવાના ૨ બોક્સ

તન્વી એન્ટરપ્રાઇઝિસ, અસ્વાની આયુર્વેદ, ડી આર આયુર્વેદ અને આયુર્શક્તિ આયુર્વેદ જેવી પેઢીઓના 5 નકલી રબર સ્ટેમ્પ

પકડાયેલા આરોપીઓના વિવિધ બેંકોના ૧૪ જેટલા બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૫ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ બેંક ખાતાઓ વિરૂદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અગાઉથી જ દેશભરમાંથી ૬ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં દિલ્હીની ૧, રાજસ્થાનની ૨ અને ઉત્તર પ્રદેશની ૩ ફરિયાદોનો સમાવેશ થાય છે. હાલ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આ આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application