છેલ્લા ૩૬ કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદે નેપાળમાં ભારે તબાહી મચાવી છે. વરસાદને કારણે આવેલા ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, પુલો ધોવાઈ ગયા છે અને ઓછામાં ઓછા ૪૦ લોકો માર્યા ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો હજુ પણ ગુમ છે અને બચાવ કામગીરી ચાલુ છે.
નેપાળ પોલીસના પ્રવક્તા બિનોદ ઘિમિરેએ જણાવ્યું હતું કે, વિવિધ ભૂસ્ખલનમાં અનેક લોકો માર્યા ગયા છે. દક્ષિણ નેપાળમાં વીજળી પડવાથી ત્રણ લોકો અને ઉદયપુર જિલ્લામાં પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તા શાંતિ મહતે જણાવ્યું હતું કે પૂરમાં 11 લોકો વહી ગયા છે અને હજુ પણ ગુમ છે અને બચાવ ટીમો તેમને શોધવા માટે અથાક મહેનત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ ખરાબ હવામાનને કારણે ઘણા વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ છે.
ભૂસ્ખલનને કારણે ઘણા હાઇવે બંધ
અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ભૂસ્ખલનને કારણે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે અને ઘણા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે સેંકડો મુસાફરો ફસાયેલા છે. વહીવટીતંત્રે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સેના અને સ્થાનિક ટીમોની મદદ લીધી છે. કાઠમંડુ એરપોર્ટના પ્રવક્તા રિંજી શેરપાએ જણાવ્યું હતું કે સ્થાનિક ફ્લાઇટ્સ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હાલમાં સામાન્ય રીતે કાર્યરત છે.
કોસી નદી ભયના નિશાનથી ઉપર વહે છે
આ દરમિયાન, દક્ષિણપૂર્વ નેપાળમાં કોસી નદી, જે દર વર્ષે ભારતના બિહાર રાજ્યમાં પૂરનું કારણ બને છે, હાલમાં ભયના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.
સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કટોકટી જેવી તૈયારીઓ શરૂ કરી છે અને લોકોને ઊંચા સ્થાને જવા વિનંતી કરી છે. નેપાળમાં આ વર્ષના ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ડઝનેક લોકો હજુ પણ ગુમ છે.