39 વર્ષ પહેલા દુષ્કાળ વેળાએ આજના દિવસે રાજકોટને ટ્રેનથી પાણી આપેલું, તે રકમનું બિલ ચુકવવાનું હજુ પણ બાકી

  • May 02, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાને આજથી ૩૯ વર્ષ પૂર્વે દુષ્કાળ વેળાએ આજે તા.૨ મે ના રોજથી ટ્રેનથી પાણી આપવાનું શરૂ કરાયું હતું અને લાગલગાટ બે મહિના સુધી ટ્રેન મારફતે પીવાનું પાણી પુરૂ પાડીને ઉનાળો પાર ઉતારવામાં આવ્યો હતો. તત્કાલિન સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોય અને રાજકોટ મહાપાલિકામાં ભાજપનું શાસન હોય ભારે જહેમત બાદ આ શક્ય બન્યું હતું. દરમિયાન રાજ્ય સરકારે બે મહિના ટ્રેનથી પાણી પુરૂ પાડ્યા બાદ તેનું બિલ મોકલ્યું હતું જે આજ દિવસ સુધી મહાપાલિકાએ ચૂકવ્યું નથી અને પાણી આપીને પૈસા માંગ્યા હતા તે વાતને જીવંત રાખવા પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણાં વર્ષોથી દરેક બજેટમાં રાજકોટ મહાપાલિકા આ પાણીના બિલની રકમ બાકી દેવા તરીકે દર્શાવી કેરી ફોરવર્ડ કરે છે.


પાણી ભરીને આવેલી પ્રથમ ટ્રેનનું સ્વાગત કરાયું હતું

આજથી બરાબર ૩૯ વર્ષ પહેલાં તા.૨-૫-૧૯૮૬ના રોજ રાજકોટ શહેરમાં માધાપર રેલવે યાર્ડમાં દરેક રેકમાં ૨૦,૦૦૦ લીટર પાણી ભરેલ હોય એવા ૭૦ રેક વાળી ટ્રેનનુ આગમન થયું હતું. સુરેન્દ્રનગર જીલ્લાના ધાતરવડી ડેમમાંથી ટ્રેનના રેકમાં પાણી ભરવામાં આવતું હતું. આ પાણી માધાપર રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ સંપમાં ઠાલવવામાં આવતું અને ત્યાંથી ટેન્કરોમાં પાણી ભરી શહેરમાં સપ્લાય કરવામાં આવતું હતું. સતત બે માસ સુધી આ રીતે રાજકોટ ખાતે પાણી આવતું હતું. રાજકોટ મહાપાલિકાના તત્કાલિન મેયર વજુભાઇ વાળાને પાણીવાળા મેયરનું લોકબિરૂદ મળ્યું હતું, તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિનોદભાઈ શેઠ, વોટર વર્કસ કમિટીના ચેરમેન લાલુભાઇ પારેખ, સિનિયર કોર્પોરેટર મુકુંદભાઇ પંડિત, મ્યુનિ. ડેપ્યુટી એન્જિનિયર નરેન્દ્રસિહ વાઘેલા સહિતની ટીમ દ્વારા પાણી ભરીને આવેલી પ્રથમ ટ્રેનનું સ્વાગત કરાયું હતું.


નર્મદાનીરથી ભરઉનાળે આજી-ન્યારી-ભાદર છલોછલ

રાજકોટને આજથી ૩૯ વર્ષ પૂર્વે દુષ્કાળમાં ટ્રેનથી પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે આજે ૨૦૨૫ની સ્થિતિ જોઇએ તો રાજકોટ મહાપાલિકાને પીવાનું પાણી પૂરું પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ડેમ સૌની યોજનાના નર્મદાનીરથી છલોછલ ભરેલા છે અને તદઉપરાંત પાઇપલાઇન મારફતે પણ માંગણી મુજબ નર્મદાનીર અપાઇ રહ્યું છે. ભરઉનાળે રાજકોટને દરરોજ પુરી ૨૦ મિનિટ પીવાનું પાણી મળી રહ્યું છે અને પાણીકાપ ભૂતકાળ બન્યો છે તે વાસ્તવિકતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application