એન્જિનિયરિંગમાં ૩૯ હજાર બેઠકો ખાલી રહેશે, મેડિકલમાં પડાપડી થશે

  • May 03, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધો.૧૦મા લાખો વિદ્યાર્થીઓ પાસ થાય પછી માત્ર એકાદ લાખ જ વિજ્ઞાન પ્રવાહ કેમ રાખે છે? ધો. 10 માં 1000 થી વધુને એ વન ગ્રેડ અને ધોરણ 12 માં માત્ર 61 શા માટે? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પછી શિક્ષણ જગતમાં જબરી હલચલ



ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગઈકાલે નબળું પરિણામ જાહેર થયા પછી શિક્ષણ જગતમાં ભારે હલચલ મચી જવા પામી છે. એ ગ્રુપના 40352 વિદ્યાર્થીઓમાંથી માત્ર 29163 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એન્જિનિયરિંગમાં ૬૦ હજારથી વધુ બેઠકો છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ જો એન્જિનિયરિંગ માં જ એડમિશન લે તો પણ 50% થી વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.




આવું જ બી ગ્રુપમાં બન્યું છે. બી ગ્રુપના 69661 વિદ્યાર્થીઓમાથી 42986 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડોક્ટર બનવાના સપના દેખાડીને બી ગ્રુપમાં વિદ્યાર્થીઓને પ્રવેશ લેવડાવ્યા બાદ મેડિકલમાં 6,000 જેટલી સીટ છે અને તેથી મેડિકલમાં આ વખતે મેરીટ લીસ્ટ ઊંચું જવાની અને પ્રવેશ માટે પડાપડીની શક્યતા છે. મેડિકલ કોલેજમાં એડમિશન નહીં મેળવી શકનાર હજારો વિદ્યાર્થીઓ માટે બીએસસી સિવાય વિકલ્પ નથી. ધોરણ 10 પછી ગણિતમાં નબળા હોય તેમને બી ગ્રુપ રાખવા માટે સલાહ આપવામાં આવે છે. જેથી ગણિત વિષય ભણવું ન પડે. પરંતુ બી ગ્રુપમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં 50% થી વધુ દાખલા ગણિત આધારિત હોય છે. જે ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને ભારે પડે છે. પરંતુ મોટા ભાગની વિજ્ઞાન પ્રવાહની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને માત્ર ફી ઉઘરાવવામાં જ રસ હોય છે. જે વિદ્યાર્થીનો ગણિતનો પાયો નબળો હોય તેવા વિદ્યાર્થી બીએસસી થઈને બી એડ થાય અને વિદ્યાર્થીઓને ગણિત -વિજ્ઞાન ભણાવે તેમાં કેટલી ભલીવાર થાય?




સૌથી મોટી આશ્ચર્યની બાબત તો એ છે કે ધોરણ 10ના પરિણામમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને એ ગ્રેડ આપવામાં આવે છે અને ધોરણ 12 સાયન્સમાં માત્ર 61 વિદ્યાર્થીઓને જ એ વન ગ્રેડ મળે તેને કઈ પ્રકારની પ્રગતિ ગણવી ?તેવા સવાલો શિક્ષણ જગતમાં ઉઠી રહ્યા છે.




ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં બિન તાલીમી અને બિન અનુભવી શિક્ષકો ભણાવે છે. પગારના નામે તેમનું શોષણ થાય છે. કોટાના તજજ્ઞના નામે વિદ્યાર્થીઓને આકર્ષવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધારે હોવાથી બિન તંદુરસ્ત સ્પર્ધા પણ જોવા મળે છે. ડે સ્કૂલનો કન્સેપ્ટ શિક્ષણ જગતમાં સ્વીકાર્ય નથી છતાં તે દિવસો દિવસ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓને આખો દિવસ સાચવવાની જવાબદારી શાળા લેતી હોવાથી વાલીઓને નિરાંત થઈ જાય છે અને પોતાનું સંતાન મેડિકલ એન્જિનિયરિંગ કે આઇઆઇટીમાં જ એડમિશન મેળવે એવા વાલીઓના ખ્વાબના કારણે વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી બની જાય છે. સરકાર અને શિક્ષણ વિભાગની મોટાભાગની નીતિઓ વિજ્ઞાન પ્રવાહના આધારે જ ઘડવામાં આવતી હોવાથી લાખો વિદ્યાર્થીઓને ભોગવવાનું આવે છે.




શિક્ષણ જગતના અનુભવીઓના કહેવા મુજબ ગઈકાલનું નબળું પરિણામ આવવાનું મુખ્ય કારણ મોટાભાગની સ્કુલોમાં ધોરણ 11 -12 નો ગુજરાત બોર્ડનો કોર્ષ સાઈડમાં રાખીને જેઈઈ અને નીટની તૈયારી કરાવવામાં આવે છે. મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ માટેની પૂર્વ તૈયારીના કારણે મોટાભાગના કિસ્સાઓમાં એવું બને છે કે ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓને 50% થી ઓછા માર્ક મળે છે. અથવા તો નાપાસ થાય છે.જો આવું થતું હોય તો નીટ અને જેઈઈની પૂર્વ તૈયારીનો અર્થ શું?




પર્સન્ટેજના બદલે પર્સન્ટાઈલની નવી સિસ્ટમ અમલમાં આવતા ક્લાસીસ માટે તો તે પ્રચારનું મોટું સાધન બની ગયું છે. 97 કે 98% પર્સન્ટાઈલવાળા વિદ્યાર્થીઓને ૮૦ ટકા માર્કસ પણ હોતા નથી. પરંતુ જાજમ નીચે જેમ કચરો છુપાવવામાં આવે તેમ પર્સન્ટેજની વાત છુપાવીને પર્સન્ટાઈલને પ્રચારમાં આગળ રાખવામાં આવે છે.



શિક્ષણમાં સતત અને વિવિધ પ્રયોગો થતા હોય છે. આઈએએસ અધિકારીઓ દ્વારા રાજકારણીઓને સમજાવીને આવા ફેરફારો થોડા થોડા સમયના અંતરે કરવામાં આવતા હોય છે. આઈએએસ હોય એટલે શિક્ષણની બાબતમાં બધું જ સમજતા હોય તે જરૂરી નથી. શિક્ષણના હિતમાં સરકારે આઈએએસના બદલે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ ની માગણી શિક્ષણ જગતમાં ઉઠી રહી છે. માત્ર ગઈકાલના પરિણામની વિજ્ઞાન પ્રવાહની નહીં પરંતુ શિક્ષણની પરિસ્થિતિના સમગ્ર મૂલ્યાંકન થવાનો સમય આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application