રાજકોટમાં ‘‘રસરંગ લોકમેળામાં 355 રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, રાઇડસના સ્ટોલ-પ્લોટ

  • August 19, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ  રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. ચાલુ વર્ષે તા. ૦૫ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ એમ પાંચ દિવસ સુધી યોજાશે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે ૩૫૫ સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના ૧૭૮ સ્ટોલ, ખાણીપીણીના ૧૪ સ્ટોલ, મધ્યમ ચકરડીના ૦૪ પ્લોટ, નાની ચકરડીના ૪૮ પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના ૩૭ સ્ટોલ, યાંત્રિકના ૪૪ પ્લોટ, આઈસ્ક્રીમના ૧૬ પ્લોટ, ફૂટ કોર્ટના ૦૩ પ્લોટ, ૦૧ ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે.  

લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 
    

લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૦૩ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ, ૭૭ એસ.આર.પી. સહીત કુલ ૧૨૬૬ જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ૧૦૦ ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે ૧૮ વોચટાવર ઉપર સી.સી. ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. ૪ કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. 
    

ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી ૧૭ જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે. લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. ૧૩ જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે. ચાલુ વર્ષે આ લોકમેળા માટે “રસરંગ” નામની પસંદગી થઈ છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application