રાજકોટમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ, આજી નદીમાં પુર, ન્યારી-૧ ડેમના છ દરવાજા ખોલાયા

  • July 23, 2023 11:15 AM 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જો કે ગતરોજ જુનાગઢ અને નવસારીમાં વરસાદે તારાજી સર્જી છે. જૂનાગઢમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીના પ્રવાહમાં વાહનો, પ્રાણીઓ અને માણસો જે પણ આવ્યું બધું તણાઈ ગયું.



હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક જીલ્લાઓ માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 



હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. રાજકોટમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છ. આજી નદીમાં નવા નીરના પગલે પુરની સ્થિતિ સર્જાઈ છે તો ન્યારી-૧ ડેમના છ દરવાજા 3 ફૂટ ખોલાયા છે. માહિતી મુજબ જીલ્લામાં મોસમનો કુલ 25 ઇંચ વરસાદ નોંધાયો છે.




રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application