BREAKING NEWS

ગુજરાતમાં 28 IASની બદલીનો ઘાણવો, PGVCLના એમડીને દ્વારકાના ડીડીઓ બનાવાયા, જુનાગઢ મનપાના કમિશનર પણ બદલાયા, જુઓ લિસ્ટ

  • July 21, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ૨૮ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ બદલીઓમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને વીજ કંપનીઓ તેમજ સરકારી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરોની મોટા પાયે ફેરબદલીઓ સામેલ છે.  


પાલિકા અને વીજ કંપનીઓમાં મહત્વના ફેરફારો

આ નવેસરના આદેશો હેઠળ વીજ કંપનીઓ અને શહેરી વિકાસ વિભાગોમાં મહત્વની બદલીઓ થઈ છે. જીઈડીએ ગાંધીનગરના નિયામક ગૌરાંગભાઈ એચ. મકવાણાની બદલી કરીને તેમને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશીની બદલી GIDC, ગાંધીનગરના જોઇન્ટ એમડી તરીકે કરવામાં આવી છે, જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આઈ.આર.વાળાને જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. 


પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરની બદલી

આ ઉપરાંત, પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે.પ્રજાપતિની બદલી કરીને તેમને અમરેલીના DDO તરીકે મુકવામાં આવ્યા છે અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA)ના સીઈઓ સુથાર રાજ રમેશચંદ્ર પોરબંદર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. સુરત વીજ કંપની (DGVCL)ના એમડી તરીકે કે.જે.રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે.  


જિલ્લાઓમાં નવા DDOની નિમણૂકો અને નિગમોમાં ફેરબદલ

રાજ્યના અનેક જિલ્લાઓને નવા જિલ્લા વિકાસ અધિકારીઓ મળ્યા છે. રાજકોટ PGVCLના MD કે.પી.જોશીની બદલી દેવભૂમિ-દ્વારકાના DDO તરીકે કરાઈ છે, જ્યારે વલસાડના એડિશનલ કલેક્ટર એમ.ડી. ચુડાસમાને PGVCLના નવા MDની જવાબદારી સોંપાઈ છે. ગાંધીનગર મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના MD ડી.કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગરના DDO તરીકે મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એમ.પી. પંડ્યાને મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના MD બનાવવામાં આવ્યા છે. દાહોદના DDO સ્મિત સંતોષ લોઢાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયા છે, જ્યારે અરવલ્લીના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હિરેન જીતેન્દ્રભાઈ બારોટને દાહોદના નવા DDOની જવાબદારી સોંપાઈ છે. આ સિવાય કે. એસ. ઝાલાની ડાંગ-આહવા DDO તરીકે નિમણૂક થઈ છે.  


નાગરિક પુરવઠા અને અન્ય નિગમોમાં નવી જવાબદારીઓ

રાજ્યના અન્ય જાહેર સાહસોમાં પણ વહીવટી સળવળાટ જોવા મળ્યો છે. જળસંપત્તિ મંત્રીના અંગત સચિવ સી.બી. ગણાત્રાની બદલી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના MD તરીકે કરાઈ છે. સામાજિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ શાંતિલાલ જાનીને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના મિશન ડિરેક્ટર બનાવાયા છે. ડી.કે.પટેલને જીઈડીએ (GEDA) ગાંધીનગરના નિયામક અને બી. એચ. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના MD તરીકે મૂકવામાં આવ્યા છે. વહીવટી તંત્રના મતે, આ બદલીઓ અને નિમણૂકોથી સરકારી કામગીરી, યોજનાઓના અમલીકરણ અને જાહેર વહીવટમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવવાનો હેતુ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application