જામનગર સહિત સમગ્ર હાલારમાંથી પાંચ દિ’માં ૨૬૯.૯૫ લાખની વિજ ચોરી પકડાઇ

  • December 04, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે ૨૯૩ કનેકશન ચેક કરાતા નવાગામ, ટીટોડીવાડી, પટણીવાડ, ધરારનગર, ધુંવાવ, અલીયાબાડા અને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૬૩ વિજ કનેકશનોમાંથી રુા.૪૪.૭૦ લાખની વિજ ચોરી પકડાતા વિજ ચોરોમાં ફફડાટ

જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા એક અઠવાડીયાથી પીજીવીસીએલની ૫૦થી વધુ ટીમો ઠેર-ઠેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકીંગ કરી રહી છે, હાલારમાંથી છેલ્લા પાંચ દિવસમાં રુા.૨૬૯.૯૫ લાખની વિજ ચોરી પકડાઇ છે, હજુ આગામી દિવસોમાં પણ વધુ વિજ ચોરી પકડાશે, શનિવારે ફરીથી રુા.૪૪.૭૦ લાખની વિજ ચોરી પકડાતા ભારે ફફડાટ મચી ગયો છે.
પીજીવીસીએલ દ્વારા તા.૨૮ના રોજ ૭૫.૭૫ લાખ, તા.૨૯ના રોજ રુા.૨૩.૩૫ લાખ, તા.૩૦ના રોજ ૭૦.૯૫ લાખ, તા.૧ના રોજ રુા.૫૫.૨૦ લાખ અને શનિવાર તા.૨ના રોજ રુા.૪૪.૭૦ લાખની વિજ ચોરી પકડવામાં તંત્ર સફળ થયું છે. બંને જિલ્લાની વાત કરીએ તો કુલ ૨૩૫૩ વિજ કનેકશનો તપાસવામાં આવ્યા હતાં જેમાંથી ૩૮૯ વિજ કનેકશનોમાંથી લંગરીયા, ડાયરેકટ કનેકશન, મીટરમાં ચેડા અને અન્ય તરકીબોથી વિજ ચોરી પકડાઇ હતી.
શનિવારની વાત લઇએ તો શનિવારે જામનગર શહેર, નવાગામ ઘેડ, ટીટોડીવાડી, અકબરશા ચોક, પટણીવાડ, ધરારનગર, વામ્બેઆવાસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધુંવાવ, અલીયાબાડા અને ખંભાળીયાના કેટલાક ગામડાઓમાંથી વિજ ચોરી પકડાઇ હતી, ૩૯ ટીમોએ ૨૯૩ વિજ કનેકશનો ચેક કર્યા હતાં જેમાંથી ૬૩માં વિજ ચોરી પકડાઇ હતી અને વિજ ચોરોને રુા.૪૪.૭૦ લાખનો દંડ ફટકારાયો હતો. તા.૧ના રોજ મોટી ખાવડી, સિકકા, નાના લખીયા, ખટીયાબેરાજા, વાડીનાર, ભરાણા, કનકપર, માડી, ખજુરીયા, મોવાણ અને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧ વિજ કનેકશનમાંથી રુા.૫૫.૨૦ લાખની ચોરી પકડાઇ હતી.
જામનગર અને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સતત વિજ લોસને કારણે પીજીવીસીએલને વ્યાપક નુકશાન થાય છે ત્યારે હાલારમાં છેલ્લા પાંચ દિવસમાં રુા.૨૬૯.૯૫ લાખની વિજ ચોરી પકડવામાં આવી છે, આમ પીજીવીસીએલને હાલારમાંથી વિજ ચોરી પકડવામાં મોટી સફળતા મળી છે, કુલ ૫૦થી વધુ ટીમો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ મેનને સાથે રાખીને વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application