BREAKING NEWS

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપના ભયથી 25 કોંગ્રેસી ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડાયા, પ્રચારને કોરાણે મુકી ઉમેદવાર બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું!

  • April 14, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ ને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે ભાજપના ભયથી કોંગ્રેસના અંદાજે ૨૫ જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે અને આવતીકાલે તા.૧૫ને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ ફરી રાજકોટ લાવવામાં આવશે તેમ જાણવા મળે છે. કોંગી ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા માટે લલચામણી ઓફરો આપવાનું શરૂ થતા તેમજ કોઇ પણ પ્રકારની લાલચમાં ન આવે તેવા ઉમેદવારોને યેનકેન પ્રકારે ડરાવવા ધમકાવવાના પ્રયાસો થતા પ્રચારને કોરાણે મૂકીને કોંગ્રેસે ઉમેદવાર બચાવો અભિયાન છેડવું પડ્યું છે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ કાલે તા.૧૫.૪.૨૦૨૬ને બુધવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે તોડ જોડની રાજનીતિથી બેઠકો બિનહરીફ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે, અંદાજે અલગ અલગ ચારથી પાંચ વોર્ડના ઉમેદવારોનો આ પ્રકારે સંપર્ક કરવામાં આવતા મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો અને ગઇકાલે બપોર બાદ અંદાજે ૨૫ જેટલા ઉમેદવારોને અલગ અલગ સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.


સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અલગ અલગ સાતથી આઠ કારમાં ૨૫ જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે અને આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ જ તેમને રાજકોટ શહેરમાં પરત લાવવામાં આવશે. ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ શહેરથી થોડે દૂર પરંતુ જરૂર પડ્યે તુરંત શહેરમાં આવી શકાય તેટલા અંતરે આવેલા ફાર્મ હાઉસમાં કોંગ્રેસી ઉમેદવારોને રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. જ્યારે વોર્ડ નં.૩ અને ૧૫ સહિતના વોર્ડમાં કોંગ્રેસના મજબૂત ઉમેદવારો હોય તેમને રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં યથાવત રાખીને પેનલના અન્ય ઉમેદવારોનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application