રાજકોટમાં આવાસમાં રહેતા 24થી પરિવાર થશે બેઘર : ક્વાર્ટર ખાલી કરવા ત્રણ દિવસની મુદત

  • June 27, 2023 02:40 PM 

રાજકોટ મહાપાલિકાએ આજે ભયગ્રસ્ત ક્વાર્ટર્સ ખાલી કરાવવા માટે ત્યાંના નળ અને ડ્રેનેજ જોડાણ કપાત કરી નાખ્યા હતા.



વધુમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના અધિકારી-ઇજનેરી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વરસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડ પર શહીદ ભગતસિંહ ગાર્ડન પાછળ બનાવવામાં આવેલ બે રહેણાંક બિલ્ડીંગ ખુબ જ ભયજનક સ્થિતિમાં હોઈ, સાવચેતીરૂપે બ્લોક નં.૬૫ અને ૬૬ના ૨૪ ફ્લેટ ધારકો-કબજેદારોને મહાનગરપાલિકા દ્વારા આ ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવેલ છે. આ ઉપરાંત આજે આ બંને બ્લોકના પાણીના કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવેલ છે. સાથોસાથ આ બંને બિલ્ડીંગના વીજ કનેક્શન કાપવા માટે પી.જી.વી.સી.એલ. ને પણ જણાવવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે.



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસમાં જણાવાયું છે કે, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં બિલ્ડીંગનો મહતમ ભાગ ભયગ્રસ્ત થયેલ હોય, આ બિલ્ડીંગમાં વધુ નુકશાની થયેથી સમગ્ર બિલ્ડીંગને મોટા પાયે નુકશાન થવા કે બિલ્ડીંગનાં પડવાથી જાન-માલની નુકશાન થવાની સંભાવના હોય, જીપીએમસીની કલમ -૨૬૪ અન્વયે ભયજનક ભાગ દુર કરી, ભયમુકત કરી સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટેબીલીટી સર્ટીફીકેટ મેળવી રજુ કરવા અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવેલ છે.




આ બિલ્ડીંગ નું બાંધકામ જુનું હોઈ અને બિલ્ડીંગ જર્જરિત હોઈ, રાજકોટ મહાપાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટ્રકચરની સ્ટેબીલીટી ચકાસણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ બિલ્ડીંગના મહતમ ભાગો જર્જરિત હોઈ, આ સંપૂર્ણ બિલ્ડીંગ સંવેદનશીલ અને ભયજનક હોવાનું જણાવેલ છે, કુદરતી આપતી જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ અને ભૂકંપ સામે સ્ટ્રકચરલી સ્ટેબલ ન હોવાનો રીપોર્ટ આપેલ છે. સદરહું સંપૂર્ણ બિલ્ડીંગ ખૂબજ ભયજનક સ્થિતીમાં હોય, આ બાંધકામ પડી જાય તો ગંભીર પ્રકારની જાનહાની થઇ શકે તેવી સંભાવના જણાય છે. આ કારણથી સદરહું બાંધકામનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા માટે આ બિલ્ડીંગનાં ફ્લેટમાં રહેતા માલિક/કબજેદારોને નોટીસ જી.પી.એમ.સી. એકટની કલમ -૨૬૮ અન્વયે કબજામાં રહેલ મિલ્કતનો ઉપયોગ આ નોટીસ મળ્યેથી સત્વરે બંધ કરવા જણાવેલ છે. તેમાં કસુર થયે જી.પી.એમ.સી.એ એકટની કલમ-૨૬૮ અન્વયે કાયદાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તેમ કરતા જો કોઇ ખર્ચ નુકશાન થશે તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે જેની તમામે નોંધ લેવી તેમ અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application