ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાલમાં જ 'એનાલિટિકલ સ્ટડી ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન ગુજરાત-2024'નો વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ ગુજરાતના માર્ગો પરની સુરક્ષાને લઈને અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024 દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 15,588 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતોમાં કુલ 7,717 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 14,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ઈજાગ્રસ્તો પૈકી 9,301 લોકો કાયમી અપંગતાનો ભોગ બન્યા છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે અને રોજ 20 વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાય છે.
અકસ્માતો પાછળના કારણોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે વાહનોની અનિયંત્રિત ગતિ એટલે કે 'ઓવર સ્પીડ' સૌથી મોટું કારણ છે. કુલ અકસ્માતો પૈકી 14,390 કેસ માત્ર ઓવર સ્પીડને કારણે થયા છે. આ ઉપરાંત અન્ય કારણોમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ (609 કેસ), દારૂ પીને વાહન ચલાવવું (64 કેસ) અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ (36 કેસ) જવાબદાર છે. માર્ગોની સ્થિતિની વાત કરીએ તો, એક આશ્ચર્યજનક તથ્ય સામે આવ્યું છે કે વળાંકવાળા રસ્તાઓ (1,554 અકસ્માત) કરતા સીધા રસ્તાઓ પર અકસ્માતનું પ્રમાણ (12,390 અકસ્માત) અનેકગણું વધારે છે. સીધા રસ્તા મળતા જ ચાલકો ગતિ મર્યાદા ઓળંગી જાય છે જે જીવલેણ સાબિત થાય છે.
સમય આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય અકસ્માતો માટે સૌથી વધુ સંવેદનશીલ એટલે કે 'ડેન્જર ઝોન' છે. આ ત્રણ કલાક દરમિયાન જ 415 જેટલા ગંભીર અકસ્માતો નોંધાયા છે. આ પીક અવર્સમાં લોકોની ઘરે પહોંચવાની ઉતાવળ અને ટ્રાફિકનું ભારે ભારણ અકસ્માત નોતરે છે. આ સિવાય રાત્રે 9 થી 12 (333 અકસ્માત) અને સવારે 9 થી 12 (322 અકસ્માત) દરમિયાન પણ મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાય છે. સ્થળના આધારે જોઈએ તો રહેણાંક વિસ્તારો (3,818 અકસ્માત) કરતા માર્કેટ અને મોલ જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં 8,246 અકસ્માતો સાથે જોખમ વધુ જણાયું છે.
આ અહેવાલ બાદ હવે તંત્ર દ્વારા બ્લેક સ્પોટ સુધારવા, સ્પીડ ગનનો ઉપયોગ વધારવા અને નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવા જેવા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે . નાગરિકોએ પણ સ્વયં શિસ્ત જાળવી ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ સમયની માંગ છે.
યુવાધન કાળનો કોળિયો બન્યું
અકસ્માતમાં જાનહાનિનો ભોગ બનનારાઓમાં સૌથી મોટી સંખ્યા યુવાનોની છે. 25 થી 35 વર્ષની વયજૂથના 2,119 યુવાનોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જે કોઈપણ પરિવાર અને સમાજ માટે મોટી આર્થિક અને સામાજિક ખોટ છે. ત્યારબાદ 35 થી 45 વયજૂથમાં 1,800 અને 45 થી 60 વયજૂથમાં 1,213 લોકોના મોત થયા છે. વાહનોના પ્રકાર મુજબ જોઈએ તો ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ સુરક્ષિત નથી, જેમાં 3,722 લોકોના મોત થયા છે. રાહદારીઓ (1,747 મોત), કાર-ટેક્સી (991 મોત) અને ટ્રક અકસ્માતોમાં 571 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જિલ્લાવાર સ્થિતિ અને હાઇવેના આંકડા
ગુજરાતના હાઇવે પર થતા અકસ્માતોમાં સ્ટેટ હાઇવે પર સૌથી વધુ 3,926 અને નેશનલ હાઇવે પર 3,488 અકસ્માતો નોંધાયા છે, જ્યારે એક્સપ્રેસ હાઇવે પર આ આંકડો 81 છે. ભૌગોલિક દ્રષ્ટિએ પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં અકસ્માતની તીવ્રતા વધી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેર, રાજકોટ (શહેર-ગ્રામ્ય), ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મોરબી જેવા વિસ્તારોમાં અકસ્માતના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.