યુવતીના હાથમાંથી લાખો રૂપિયા સાથેના થેલાની લૂંટ કરનાર ૨ શખ્સ એલસીબીના સકંજામાં

  • November 18, 2023 06:42 PM 

તળાજાની પહલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના હાથમાંથી બેન્ક કલેક્શનના રૂપિયા ૭,૮૯,૩૪૫/- ભરેલો થયેલો બે અજાણ્યા એકટીવા સવાર શખ્સો લૂંટીને નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


તળાજામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. તળાજાના ભરચક વિસ્તારમાંથી ફાયનાન્સ કંપનીની કર્મચારી યુવતીના રૂપિયા ભરેલો થેલો લૂંટી બે અજાણ્યા એક્ટિવા સ્કૂટર ચાલકો ફરાર થયા હતા. આ બનાવ અંગે તળાજા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સચિનભાઈ કિર્તીભાઈ ચાવડા (રહે ઘેટી, તા.પાલીતાણા) એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. અને પ્રથમ પોસ્ટિંગ પાલીતાણા અને ત્યારબાદ ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર તરીકે તળાજાની બ્રાન્ચ ખાતે નોકરી કરી રહ્યા છે. અને આ જ બ્રાન્ચમાં છેલ્લા ૮ મહિનાથી ઓપરેશન મેનેજર તરીકે હેતલબેન ભાલીયા ફરજ બજાવે છે. ત્યારે આ ફાઇનાન્સ કંપનીના અલગ અલગ સેન્ટરો પરથી ફિલ્ડ કોર્ડીનેટર ઓફિસર દ્વારા કલેક્શન કરેલી રકમ પહલ ફાઇનાન્સની ઓફિસ તળાજા ખાતે આવીને જમા કરાવે છે. આ ફાઇનાન્સ કંપનીમાં રેગ્યુલર કસ્ટમર દ્વારા ફાઇનાન્સનો હપ્તો ઓફિસ ખાતે રૂબરૂ આવીને જમા કરાવતા હોય છે. ત્યારે તારીખ ૯/૧૧ ના રોજ બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હેતલબેન ભાલીયા સાંજના સવા ચાર વાગ્યાના સમયે બ્રાન્ચનું કલેક્શનની રકમ રૂપિયા ૭,૮૯,૩૪૫/- પર્સમાં (થેલા)નાખીને એચડીએફસી બેન્ક ખાતે જમા કરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે ગોપનાથ રોડ પર એચડીએફસી બેન્ક પાસે પહોંચતા પાછળથી કાળા કલરનું એકટીવા સ્કૂટર લઈને બે અજાણ્યા શખ્સો જેના મોઢા પર રૂમાલ બાંધેલા હતા. જેમાં એકટીવા સ્કૂટર પર પાછળ બેઠેલા શખ્સએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી યુવતીના હાથમાં રહેલો થયેલો જેમાં રૂપિયા ૭,૮૯,૩૪૫/-, તથા અસલ આઈડી પ્રુફ, આધારકાર્ડ, પાનકાર્ડ અને ઓફિસની ચાવી તેમજ પેટી કેસ રૂપિયા ૨૨૦૦/-, ઘર ખર્ચના રૂપિયા ૨૫૦૦/- લુંટીને નાસી છૂટ્યા હતા. જે ઘટના સમયે હેતલબેન નીચે પડી જતા તેઓને પણ ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા ફાઇનાન્સ કંપનીના અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને આ અંગે મેન શાખાના જાણ કરવામાં આવતા એમડી દ્વારા આ બનાવ બાબતે ફરિયાદ કરવા ઓથોરિટી લેટર ઇસ્યુ કરવામાં આવતા ફરિયાદી સચીનભાઈ કિર્તીભાઈ ચાવડા દ્વારા તળાજા પોલીસ મથકમાં ફાઈનાન્સ કંપનીના ઓપરેશન મેનેજર યુવતીના પર્સમાંથી બેંક કલેક્શન સહિત ₹૭,૯૪,૦૪૫/- ભરેલો થેલો (પાકીટ) લૂંટીને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તળાજા પોલીસે અજાણ્યા એકટીવા સ્કૂટર ચાલક શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 દરમિયાનમાં લૂંટની ઘટનામાં સંડોવાયેલા બંન્ને શખ્સોને ભાવનગરના સીદસર ગામ નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉપાડી લીધા હોવાનું વિશ્વાસનીય સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application