જામકંડોરણાના સાતોદડ અને ચિત્રાવડ પાસે બીએસએનલના ટાવરમાંથી ૨ લાખની ચોરી

  • September 05, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણાના સાતોદડ અને ચિત્રાવડ ગામે બીએસએનલના આઉટડોર ટાવરમાંથી રૂપિયા ૨ લાખની કિંમતના ૪૭ બેટરીના સેલની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ જામકંડોરણા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નાનામવા રોડ પર રહેતા અને ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા બીએસએનએલમાં એસડીઇ તરીકે ફરજ બજાવતા અમિતભાઈ દિલીપભાઈ ઠાકોર (ઉ.વ ૫૪) દ્વારા જામકંડોરણા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦/૮/૨૦૨૩ ના બીએસએનએલના બીટીએસ ટાવરના કોન્ટ્રાક્ટર પરેશભાઈ નાગજીભાઈ ધાણેજાનો સવારના ફોન આવ્યો હતો કે સાતોદડ ટેલીફોન એક્સચેન્જમાં દડવી ગામનો ફોલ્ટ જોવા મળ્યો છે જેથી અમે ટેલિફોન એકસચેન્જ પર તપાસ કરતા અહીંથી બેટરી સેટ જોવા મળ્યો ન હતો તેમજ ટેલીફોન એક્સચેન્જની ચાવી જે સાતોદડ ગામે રહેતા મહાવીરસિંહ સિધ્ધરાજસિંહ જાડેજાના કલ્યાણરાયજી દુકાને મુકતા હતા ત્યાંથી કોઈ અજાણ્યો શખસ આ ચાવી લઇ ટેલીફોન એક્સચેન્જના બિલ્ડીંગનું તાળું ખોલી તેમાં રહેલ ૨૪ બેટરી સેલની ચોરી કરી ગયાનું જણાવ્યું હતું.
​​​​​​​
આ ફોન આવ્યા બાદ ફરિયાદી અમિતભાઈએ અહીં જઈ તપાસ કરતા કલ્યાણરાયજીની દુકાનના સીસીટીવી ફૂટેજ જોતા તારીખ ૨૩/ ૮ ના સાંજના પાંચેક વાગ્યે કોઈ અજાણ્યો શખસ અહીંથી ચાવી લઈ જઇ રાત્રે પોણા દસેક વાગ્યે ચાવી મૂકી ગયાનું નજરે પડ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ કોન્ટ્રાક્ટરને અન્ય કોઈ સ્થળે આ પ્રકારે ચોરી થઈ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. બાદમાં માલુમ પડ્યું હતું કે તે જ દિવસે ચિત્રાવડ ગામે આવેલ બીએસએનએલના આઉટડાવરમાં તેનો લોક તોડી ૨૪ બેટરી સેલની ચોરી કરવામાં આવી છે.આમ સાતોદળ અને ચિત્રાવડ ખાતે બીએસએનએલના આઉટડોરમાંથી કુલ ૪૮ બેટરીના સેલની ચોરી થઈ હોય જેની કિંમત રૂપિયા ૧,૯૯, ૬૮૦ છે તે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application